નવી દિલ્હીઃ 2012ની સાલમાં દિલ્હીમાં મેડિકલ વિદ્યાર્થિની ‘નિર્ભયા’ પર ગેંગરેપ અને હત્યાના કેસમાં ફાંસીની સજા કરાયેલા ચારમાંના એક અપરાધી અક્ષય સિંહ ઠાકુરની પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી છે. અક્ષય તથા અન્ય ત્રણ અપરાધીઓને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ફાંસીના માંચડે લટકાવી દેવાનું નિર્ધારિત છે, પણ અક્ષયની પત્ની પુનીતાએ અરજી કરી છે કે એના પતિને ફાંસી અપાય એ પહેલાં પોતે એની સાથે છૂટાછેડા લઈ લેવા માગે છે.
પુનીતાએ કહ્યું છે કે પોતે અક્ષયની વિધવા તરીકે જિંદગી જીવવા ઈચ્છતી નથી. એણે છૂટાછેડા માટે બિહારના ઔરંગાબાદની ફેમિલી કોર્ટના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ છૂટાછેડાની અરજી નોંધાવી છે.
એણે અરજીમાં લખ્યું છે કે એના પતિને 2012ની 16 ડિસેંબરના જીવલેણ ગેંગરેપ કેસમાં અપરાધી જાહેર કરી મોતની સજા ફરમાવવામાં આવી છે. પોતાનો પતિ નિર્દોષ છે એની પોતાને ખાતરી છે, પરંતુ પોતે અક્ષય સિંહ ઠાકુરની વિધવા તરીકે બાકીનું જીવન જીવવા ઈચ્છતી નથી.
મૃતક નિર્ભયા 23 વર્ષની હતી અને ફિઝિયોથેરપી ઈન્ટર્ન તરીકે કામ કરતી હતી. 2012ની 16 ડિસેંબરની રાતે દક્ષિણ દિલ્હીમાં એક દોડતી બસમાં એની પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પછી ઈજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. તે પંદરેક દિવસ બાદ મૃત્યુ પામી હતી.
આ ગુનો આચરવા બદલ છ જણની ધરપકડ કરવામાં આવી હતી. એમાંનો એક આરોપી સગીર વયનો હતો. રામ સિંહ નામના એક આરોપીએ કેસની કાર્યવાહી શરૂ કરાયાના અમુક દિવસો બાદ તિહાર જેલમાં આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. સગીર વયના આરોપીને સુધારણા ગૃહમાં 3 વર્ષ વિતાવ્યા બાદ 2015માં છોડી મૂકવામાં આવ્યો હતો.
પુનીતાનાં વકીલે કહ્યું કે હિન્દુ મેરેજ એક્ટની કલમ હેઠળ કોઈ સ્ત્રીનો પતિ બળાત્કાર સહિતના અધમ ગુના માટે અપરાધી જાહેર કરાય તો એની સાથે છૂટાછેડા મેળવવા માટે હકદાર બને છે.
અક્ષય સિંહ ઠાકુર બિહારના ઔરંગાબાદ જિલ્લાના લહંગ કર્મા ગામનો રહેવાસી છે. નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસમાં અક્ષય ઉપરાંત વિનય શર્મા, પવન ગુપ્તા, મુકેશ સિંહને પણ ફાંસીની સજા ફરમાવવામાં આવી છે.
આ ચારેય જણની દયાની અરજીઓ તથા રીવ્યૂ પીટિશનોને ન્યાયતંત્રએ ફગાવી દીધી છે. આ ચારેય જણે મોતની સજામાંથી બચવાના આખરી પ્રયાસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતનો સંપર્ક કર્યો છે.
ચારેયના ડેથ વોરંટના અમલને ત્રણ વખત મુલતવી રાખવામાં આવી ચૂક્યું છે. હવે નવું ડેથ વોરંટ પણ ઈસ્યૂ કરવામાં આવ્યું છે.
પવન નામના જલ્લાદને તિહાર જેલમાં બોલાવી લેવામાં પણ આવ્યો છે.