તિરુવંતપુરમ: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં અમેરિકા સૌથી વધારે કોરોનાથી પ્રભાવિત છે. ભારતમાં લોકડાઉનને કારણે એક અમેરિકન નાગરિક કેરળમાં ફસાઈ ગયો છે, ભારત સરકારની નાગરિકો પ્રત્યેની સંવેદનાથી એ એટલો બધો ખુશ છે કે હવે તે સ્વદેશ પરત ફરવા નથી માંગતો.
74 વર્ષીય જૉની પિયર્સ છેલ્લા 5 મહિનાથી કેરળના કોચ્ચિમાં રહે છે. તેણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, કોવિડ-19થી અમેરિકામાં અફડા-તફડી મચેલી છે અને અમેરિકાની સરકાર પોતાના લોકોનો ભારત સરકારની જેમ ખ્યાલ નથી રાખી રહી. હું અહીંયા જ રહેવા ઈચ્છુ છું. તેમણે રાજ્યની હાઇકોર્ટને ટુરિસ્ટ વિઝાને બિઝનેસ વિઝામાં ફેરવી આપવાની અપીલ કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે, કેરળમાં મને વધુ 180 દિવસ રોકાવાની મંજૂરી આપવામાં આવે અને ટ્રાવેલ કંપની શરૂ કરવા બિઝનેસ વિઝા આપવામાં આવે તેવી અરજી કરું છું. કદાચ મારો પરિવાર પણ જો અહીં આવી શકત. અહીંયા જે કંઈ થઈ રહ્યું છે તેનાથી હું ખૂબ પ્રભાવિત છું. અમેરિકામાં લોકો કોવિડ-19ની ચિંતા નથી કરી રહ્યા. તેણે કહ્યું, હું અહીંયા ફસાયો નથી પરંતુ અહીંયા રહેવા માંગુ છું, મને કેરળ પસંદ છે.