દેશનું ફોરેક્સ રિઝર્વ ઓલટાઇમ હાઇ સપાટીએ

મુંબઈઃ દેશનો વિદેશી અનામત ભંડાર (ફોરેક્સ રિઝર્વ)મા ત્રીજી જુલાઈએ પૂરા થતા સપ્તાહમાં 6.416 અબજ ડોલરનો વધારો થયો હતો. રિઝર્વ બેન્કના સાપ્તાહિક આંકડા અનુસાર ફોરેક્સ રિઝર્વ 26 જૂને પૂરા થતા સપ્તાહના 506.838 અબજ ડોલરથી વધીને 513.254 અબજ ડોલરની ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યું છે. જોકે આ પહેલાંના 26 જૂને પૂરા થતા સપ્તાહમાં રિઝર્વ્સ 1.27 અબબજ ડોલર વધીને 506.84ના સ્તરે હતું.

વિદેશી ફોરેક્સ રિઝર્વ અડધા ટ્રિલિયન ડોલરની સપાટીએ

પાંચમી જૂને પૂરા થતા સપ્તાહમાં વિદેશી ફોરેક્સ રિઝર્વ સૌપ્રથમ વાર 8.22 અબજ ડોલર વધીને 501.70 કરોડ ડોલરના સ્તરે પહોંચ્યું હતું. જ્યારે ત્રીજી જુલાઈએ ફોરેન કરન્સી એસેટ્સ (FCA)માં વધારો થવાને કારણે રિઝર્વમાં વધારો થયો હતો. ઓવરઓલ રિઝર્વ્સમાં FCA મહત્ત્વનો ભાગ હોય છે.

સમીક્ષા હેઠળના ગાળામાં ફોરેન કરન્સી એસેટ્સમાં 5.66 અબજ ડોલર વધીને 473.26 અબજ ડોલર થઈ હતી, એમ ડેટા દર્શાવે છે.

સોનાની અનામતો પણ વધારો

રિઝર્વ બેન્કના જણાવ્યાનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાના અનામત ભંડાર 49.5  કરોડ ડોલર વધીને 34.02 અબજ ડોલર થયો હતો. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) પાસે ભારતનો સ્પેશિયલ ડ્રોવિંગ રાઇટ્સ (SDR-ઉપાડનો હક)  40 લાખ ડોલર વધીને 1.45 અબજ ડોલર થઈ ગયા છે, જ્યારે IMFમાં દેશનો આરક્ષિત ફોરેક્સ રિઝર્વ 25.9 કરોડ ડોલર વધીને 4.52 અબજ ડોલર થઈ ગયો છે.