‘સલાહ ના આપો, બેસો…’ ઓમ બિરલાએ દીપેન્દ્ર હુડ્ડાને ઠપકો આપ્યો

નવી દિલ્હીઃ સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પછી સ્પીકર ઓમ બિરલા કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા પર ભડકી ગયા હતા. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે સંસદસભ્ય તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ તેમણે ‘જય સંવિધાન’નો સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યારે તેમને બિરલાએ કહ્યું હતું કે તમે બંધારણના શપથ લીધા હતા, ત્યારે તમારે ‘જય સંવિધાન’ કરવાની શી જરૂર હતી.

ત્યાર બાદ કેટલાય સાંસદોએ સૂત્રોચ્ચાર કરતા હતા, ત્યારે દીપેન્દ્ર હુડ્ડાએ એના પર વાંધો ઉઠાવતાં સ્પીકર કોંગ્રેસ સાંસદ પર ભડકી ગયા હતા. હુડ્ડાએ સ્પીકર ઓમ બિરલાને કહ્યું હતું કે તમને ‘જય સંવિધાન’ પર વાંધો ના હોવો જોઈએ તો ઓમ બિરલાએ કહ્યું હતું કે કોની પર વાંધો, કોના પર નહીં, એ સલાહ મને તમે ના આપો…ચાલો બેસો.

વાસ્તવમાં ઇન્ડિયા એલાયન્સના નેતાઓની જેમ શશિ થરૂર પણ શપથ ગ્રહણ દરમ્યાન બંધારણની કોપી લઈને નજરે પડ્યા હતા. સોશિયલ મિડિયા પર વાઇરલ વિડિયોમાં જોઈ શકાય છે કે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે લોકસભામાં શપથ પછી ‘જય સંવિધાન’નો સૂત્રોચ્ચાર કર્યો હતો. એ પછી સ્પીકરથી હાથ મિલાવીને તેઓ નીચે આવ્યા હતા. એ સમયે દીપેન્દ્ર હુડ્ડાએ સ્પીકરને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે તમે હવે સંવિધાન પર વાંધો ઉઠાવી રહ્યા છો, પણ એના પર તમને વાંધો ના હોવો જોઈએ. હવે આને લઈને કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડરે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને વાંધો દર્શાવ્યો હતો.