અમદાવાદઃ ભારતીય અર્થતંત્રની ઝડપી વૃદ્ધિ, મજબૂત ફંડામેન્ટલ અને રાજકીય સ્થિરતાને કારણે ભારતીય શેરબજારોએ વર્ષ 2024માં અત્યાર સુધી પોઝિટિવ રિટર્ન આપ્યું છે. ઘરેલુ શેરબજારોમાં સતત નવમા વર્ષે સકારાત્મક વળતર આપ્યું છે.
ભારતીય શેરબજારોમાં કેલેન્ડર 2024માં ભારે ઉતાર-ચઢાવની વચ્ચે નિફ્ટીએ 9.21 ટકા અને સેન્સેક્સે 8.62 ટકાનો વધારો થયો હતો. જ્યારે નિફ્ટી 500એ 15.3 ટકાનું વળતર આપ્યું હતું.
આ ઉપરાંત ડિસેમ્બરમાં જ ભારતીય શેરબજારોમાં કંપનીઓના માર્કેટ કેપમાં નવ ટકાનો નોંધપાત્ર વધારો થયો હતો, જે વિશ્વના ટોચના 10 શેરબજારોમાં સૌથી વધુ છે. ભારતમાં કંપનીઓનું માર્કેટ કેપ 9.49 ટકા વધીને 4.93 લાખ કરોડ અમેરિકી ડોલરે પહોંચ્યું હતું. જે વિશ્વનાં અન્ય શેરબજારો કરતાં નોંધપાત્ર વધુ છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતે અમેરિકા અને ચીનને પણ પાછળ છોડ્યા છે.
આ વર્ષે 23 ડિસેમ્બર સુધી BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 12,144.15 પોઇન્ટ અથવા 28.45 ટકા વધ્યો હતો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 9435.09 અથવા 25.61 ટકા વધ્યો હતો. જ્યારે સેન્સેક્સ 6299.91 ટકા વધ્યો હતો. પ્રાદેશિક વૃદ્ધિ અને સરકારની યોગ્ય નીતિ અને રોકાણકારોની રુચિ વધવાને કારણે સ્મોલકેપ અને મિડકેપ શેરોએ 2024માં પ્રોત્સાહક પ્રદર્શન કર્યું હતું. જેથી નાની કંપનીઓના શેરોએ વર્ષ 2024માં રોકાણકારોને નોંધપાત્ર વળતર આપ્યું હતું. BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 12 ડિસેમ્બરે 57,827.69ના મહત્તમ સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 24 સપ્ટેમ્બરે 49,701.15ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ 27 સપ્ટેમ્બરે 85,978.25ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો હતો. વર્ષ 2024માં રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર અને રિન્યુએબલ એનર્જી જેવાં મુખ્ય ક્ષેત્રોના શેરોએ સારો દેખાવ કર્યો હતો.