નવી દિલ્હીઃ કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે કોરોના-લોકડાઉન દરમ્યાન બંધ રખાયેલી સ્થાનિક હવાઇ સેવા 25 મેથી તબક્કવાર શરૂ થવાની છે. બધાં હિતધારકો જેમ કે, એરલાઇનો, એરપોર્ટ્સે સહયોગ કર્યો, એટલે અમે 25 મેથી વિમાન સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
પુરીએ કહ્યું કે અમે મહત્તમ અને લઘુતમ ભાડાં નક્કી કર્યાં છે. દિલ્હી અને મુંબઈ કેસમાં 90-120 મિનિટની યાત્રા માટે લઘુતમ ભાડું રૂ. 3500 થશે અને મહત્તમ રૂ. 10,000 હશે. આ નિયમ એરલાઇન્સ પર ત્રણ મહિના માટે લાગુ થશે. દેશમાં એરલાઈન્સ 3 મહિના સુધી એમની મરજી મુજબ ભાડું વસૂલ નહીં કરી શકે. એરલાઇન્સને જે આદેશ આપવામાં આવ્યો છે, એ 24 ઓગસ્ટના 23.59 મિનિટ સુધી લાગુ રહેશે.
આરોગ્ય સેતુમાં રેડ સ્ટેટસવાળાને યાત્રાની મંજૂરી નહીં
નાગરિક ઉડ્ડયનપ્રધાને કહ્યું છે કે કેબિન ક્રૂ મેમ્બર્સને ફુલ પ્રોટેક્ટિવ ગિયરમાં રહેવું પડશે. માત્ર એક ચેક ઇન બેગની મંજૂરી આપવામાં આવશે. યાત્રીઓએ ફ્લાઇટ ઊપડતાં પહેલાં કમસે કમ બે કલાક પહેલાં રિપોર્ટ કરવો પડશે. પુરીએ કહ્યું છે કે યાત્રીમાં કોવિડ-19નાં કોઈ લક્ષણ નથી એ માટે તેણે આરોગ્ય સેતુ એપ અનિવાર્ય હશે. આરોગ્ય સેતુ એપમાં રેડ સ્ટેટસ દેખાશે તો પેસેન્જરને યાત્રાની મંજૂરી નહીં આપવામાં આવે.
પ્રોટેક્ટિવ ગિયર પહેરવું અનિવાર્ય હશે
પેસેન્જરને પ્રોટેક્ટિવ ગિયર પહેરવું પડશે, ફેસ માસ્ક લગાવવું પડશે અને સેનિટાઇઝર બોટલ સાથે રાખવી પડશે. એરલાઇન્સ દ્વારા પ્રવાસ દરમ્યાન ખાવાનું નહીં આપવામાં આવે. પાણીની બોટલ સીટ અથવા ગેલેરી એરિયામાં ઉપલબ્ધ રહેશે.
મેટ્રો અને નોન મેટ્રો શહેરોમાં માટે અલગ નિયમ
હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે સ્થાનિક ઉડાન માટે મેટ્રો-ટુ-મેટ્રો શહેરોમાં કેટલાક નિયમો હશે, જ્યારે મેટ્રો-ટુ-નોન મેટ્રો શહેર માટે અલગ નિયમ હશે. મેટ્રો શહેરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ જેવાં મોટાં શહેરો સામેલ હશે. નાગરિક ઉડ્ડયનપ્રધાને કહ્યું છે કે પ્રારંભિક રીતે એરપોર્ટનો એક તૃતિયાંશ હિસ્સો શરૂ થશે. માત્ર 33 ટકા વિમાનોને ઉડાન માટે મંજૂરી આપવામાં આવી છે.
ફ્લાઇટ્સ રૂટ્સને સાત વર્ગમાં વહેંચવામાં આવ્યા છે સેક્શન 1: જેમાં ફ્લાઇટનો સમય 40 મિનિટથી ઓછો હશે સેક્શન 2: 40 મિનિટથી વધુ અને 60 મિનિટ સુધી સેક્શન 3: 60-90 મિનિટ સેક્શન 4: 90થી 120 મિનિટ સુધી સેક્શન 5 : બે કલાકથી 2.30 કલાક સેક્શન 6 : અઢીથી ત્રણ કલાક સુધી સેક્શન 7: ત્રણ કલાકથી સાડાત્રણ કલાક હશે |