60% ક્ષમતા સુધી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની મંજૂરી

નવી દિલ્હીઃ સ્થાનિક એરલાઇન્સ કંપનીઓ માટે સારા ન્યૂઝ છે. કેન્દ્રીય સિવિલ એવિયેશન મંત્રાલયે ભારતીય એરલાઇન્સ કંપનીઓને આગામી 24 ફેબ્રુઆરી સુધી મહત્તમ 60 ટકા ક્ષમતા સાથે સ્થાનિક પેસેન્જર ફ્લાઇટ્સ ઓપરેટ કરવાની મંજૂરી આપી છે. કેન્દ્રએ આદેશ આપતાં કહ્યું હતું કે બીજી સપ્ટેમ્બરે એક સત્તાવાર ઓર્ડરમાં એરલાઇન્સ કંપનીઓને 60 ટકાની ક્ષમતા સાથે કામગીરી કરવા માટે જણાવ્યું હતું, પણ એ સમયે સરકારે સમયમર્યાદા નહોતી જણાવી.

મંત્રાલયે 29 ઓક્ટોબરે એક નવો આદેશ જારી કર્યો છે, એમાં સ્પષ્ટ કર્યું હતું કે કોવિડ-19ની વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બીજી સપ્ટેમ્બરનો ઓર્ડર 24 ફેબ્રુઆરી, 2021એ રાતે 11.59 વાગ્યા સુધી અથવા નવો આદેશ આવે ત્યાં સુધી લાગુ રહેશે.

આ પહેલાં 26 જૂને મંત્રાલયે એરલાઇન્સ કંપનીઓને મહત્તમ 45 ટકા ક્ષમતા સાથે સ્થાનિક ફ્લાઇટ્સની કામગીરી કરવાની મંજૂરી આપી હતી.

કોરોના વાઇરસને પગલે થયેલા લોકડાઉનને લીધે સ્થાનિક પેસેન્જર ફ્લાઇટ્સ દેશમાં બે મહિનાના અંતરાલ પછી ફરી શરૂ થઈ હતી. જોકે કોરોનાને લીધે સરકારે સ્થાનિક ફ્લાઇટ્સને 33 ટકા ક્ષમતાથી વધુ ઉડાડવાની મંજૂરી નહોતી આપી. જોકે 26 જૂને અગાઉના આદેશને સુધારતાં સરકારે 45 ટકા ક્ષમતા સાથે સ્થાનિક ફ્લાઇટ્સને ઉડાડવાની મંજૂરી આપી હતી. એ પછી બીજી સપ્ટેમ્બરના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે 45 ટકા ક્ષમતાને 60 ટકા ક્ષમતાના રૂપે વાંચવું જોઈએ.

વળી, કોરોના રોગચાળાને કારણે 23 માર્ચથી દેશમાં શિડ્યુલ્ડ ઇન્ટરનેશનલ પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ  છે. જોકે સ્પેશિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મે મહિનાથી વંદે ભારત મિશન હેઠળ અને વિવિધ દેશોની સાથે દ્વિપક્ષી સંધિને કારણે જુલાઈથી કાર્યરત છે.