ફ્રાંસથી વધુ ત્રણ રફાલ વિમાન ભારત પહોંચ્યાં

નવી દિલ્હીઃ ચીન સાથે ચાલી રહેલા ટેન્શનની વચ્ચે રફાલ ફાઇટર જેટ્સની બીજી ખેપ ભારત પહોંચી છે. આ ખેપમાં ત્રણ રફાલ વિમાન છે. ખાસ વાત એ છે કે રફાલ લડાકુ વિમાન ફ્રાંસથી નોન-સ્ટોપ આઠ કલાકની ઉડાન ભરીને ગુજરાતના જામનગર એરબેઝ પહોંચ્યાં છે. ગુરુવારે આ ત્રણે ફાઇટર જેટ અંબાલા પહોંચી જશે.
ત્રણ રફાલ ફાઇટર જેટ જામનગર પહોંચ્યાં

એર ફોર્સના જણાવ્યા મુજબ ગઈ કાલે મોડી સાંજે 8.14 કલાકે આ ત્રણ રફાલ ફાઇટર જેટ ગુજરાતના જામનગર એરબેઝ પહોંચ્યાં છે. આ ત્રણે લડાકુ વિમાન બુધવારની સવારે ફ્રાંસના ઇંસ્ત્રેસ એરબેઝથી જામનગર પહોંચ્યાં છે. આશરે 3700 નોટિકલ માઇલનું અંતર આ વિમાનોએ આશરે આઠ કલાકમાં પૂરું કર્યું હતું. એર ફોર્સના જણાવ્યા મુજબ આ વિમાનોમાં ત્રણ વાર હવામાં મિડ-એર રિફ્યુલિંગ થયું, કેમ કે આ ફાઇટર જેટ્સની સાથે એક ફ્યુઅલ-ટેન્કર (એરક્રાફ્ટ) પણ ઉડાન ભરી રહ્યું હતું.

જામનગરથી અંબાલા એરબેઝ

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરવારે આ ત્રણે રફાલ ફાઇટર જેટ્સ જામનગરથી અંબાલા એરબેઝ માટે ઉડાન ભરશે. 29 જુલાઈએ રફાલ ફાઇટર જેટની પહેલી ખેપ ભારત પહોંચી હતી. પહેલી ખેપમાં પાંચ વિમાન હતાં. 10 સપ્ટેમ્બરે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને ફ્રાંસના સંરક્ષણપ્રધાન ફ્લોરેન્સ પારલેની હાજરીમાં પહેલી ખેપનાં પાંચ એરક્રાફ્ટને વિધિવત્ રીતે ભારતીય એર ફોર્સમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.
36 રફાલ લડાકુ વિમાનોનો સોદો

ભારતે ફ્રાંસથી 36 રફાલ લડાકુ વિમાનોનો સોદો કર્યો હતો. આ 36 વિમાનોમાંથી 18 ફાઇટર જેટ્સ અંબાલા સ્થિત ગોલ્ડન એરો સ્ક્વોડ્રનનો હિસ્સો હશે, જ્યારે બાકીના 18ની એક અલગ સ્ક્વોડ્રન પશ્ચિમ બંગાળના હાસિમારામાં તહેનાત કરવામાં આવશે. હાલમાં જ એર ફોર્સના ચીફે જણાવ્યું હતું કે આવતા વર્ષ સુધી ગોલ્ડન એરો સ્ક્વોડ્રન સંપૂર્ણ રીતે ઊભી થઈ જશે. 18 વિમાન ભારતીય એર ફોર્સને મળી જશે. વર્ષ 2023 સુધી ભારતને બધાં 36 રફાલ વિમાન મળવાની આશા છે.