કોરોના બીમારીએ ‘ડોલો’ના ઉત્પાદકોને માલામાલ કરી દીધા

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી મહામારીએ દુનિયાભરમાં અનેક સ્વાસ્થ્ય સેવાઓ તથા ફાર્માસ્યુટિકલ કંપનીઓને અબજપતિ બનાવી દીધી છે. આમાં ડોલો 650 ગોળીની ઉત્પાદક કંપનીનું ભાગ્ય ચમકી ગયું છે. 2020ના માર્ચમાં કોવિડ-19નો પ્રકોપ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતભરમાં 350 કરોડથી વધારે ડોલો ગોળીઓનું વેચાણ થયું છે.

આરોગ્ય સેવા ક્ષેત્રની એક સંશોધક સંસ્થા IQVIAના જણાવ્યા મુજબ, 2019માં કોરોના રોગચાળો ફેલાયો તેની પહેલા ભારતમાં ડોલો ગોળીઓની 7.5 કરોડ સ્ટ્રીપ વેચાઈ હતી. આ પેરાસીટામોલ ગોળીનું ઉત્પાદન બેંગલોરની માઈક્રો લેબ્સ લિમિટેડ કરે છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટરો કોવિડ-19ના દર્દીઓને તાવથી બચવા માટે ડોલો ગોળી લેવાની સલાહ આપે છે. એવી જ રીતે, કોરોના-પ્રતિરોધક રસી લેનારાઓને પણ તાવ ચડે તો ડોલો લેવાની સલાહ અપાતી રહી છે. આને કારણે 2021માં ડોલોની ઉત્પાદકે રૂ. 307 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું હતું. આની સામે, ક્રોસિન પેરાસીટામોલ ગોળીનું વેચાણ ગયા વર્ષે માત્ર રૂ. 23.6 કરોડ નોંધાયું હતું.