નવી દિલ્હીઃ આજે દુનિયાભરના દેશો ‘નો સ્મોકિંગ ડે’ (ધૂમ્રપાન-વિરોધી દિવસ) ઉજવી રહ્યા છે ત્યારે ડોક્ટરો, કેન્સરની બીમારીનો ભોગ બનેલા લોકો અને રેસ્ટોરન્ટ માલિકોના બનાવાયેલા એક જૂથે પરોક્ષ ધૂમ્રપાનની સમસ્યા વિશે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે અનેક જાહેર સ્થળોએ રચવામાં આવેલા સ્મોકિંગ ઝોનને દૂર કરવામાં આવે.
દર વર્ષે માર્ચ મહિનાના બીજા બુધવારના દિવસને ‘નો સ્મોકિંગ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. દુનિયાભરમાં લોકોને ધૂમ્રપાનની હાનિકારક આદતથી જાગૃત કરવા માટે આ દિવસ ઉજવવાની શરૂઆત 1984થી કરવામાં આવી હતી. 2003ના કાયદા અનુસાર, તમામ જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ, એરપોર્ટ્સ તથા અન્ય અમુક પસંદગીના જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ, ભારતને 100% ધૂમ્રપાન-મુક્ત કરવા અને કોવિડ-19 રોગચાળાનો ફેલાવો અંકુશમાં લાવવા માટે ડોક્ટરો તથા અન્યોના જૂથે ઉપર મુજબ સરકારને અપીલ કરી છે.