જમ્મુઃ જમ્મુમાં ગુલામ નબી આઝાદની અધ્યક્ષતામાં કોંગ્રેસના નારાજ નેતાઓની બેઠક થઈ હતી, ગાંધી ગ્લોબલ ફેમિલીની બેઠકમાં કોંગ્રેસના તમામ નેતા એકત્ર થયા હતા. આ શાંતિ સંમેલનમાં આનંદ શર્મા, કપિલ સિબ્બલ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, મનીષ તિવારી અને રાજ બબ્બર જેવા કોંગ્રેસના G-23 નેતા સામેલ થયા હતા. અહીં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે નબળી થતી કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાની વાત કહી હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી ગુલામ નબી આઝાદના અનુભવનો ઉપયોગ કેમ નથી કરી રહી.
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી નબળી થતી જાય છે. આપણે પાર્ટીને મજબૂત કરવાની છે. ગુલામ નબી આઝાદ અનુભવી અને એન્જિનિયર છે. દરેક પ્રદેશમાં આપણે બધા કોંગ્રેસની વાસ્તવિક સ્થિતિથી પરિચિત છીએ. આપણે નથી ઇચ્છતા કે તેમને સંસદથી આઝાદી મળે. તેમના અનુભવનો કોંગ્રેસ ઉપયોગ કેમ નથી કરી રહી? સિબ્બલે વધુમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીને દરેક જિલ્લામાં મજબૂત કરવાનું કામ કરવાનું છે. જો કોંગ્રેસ નબળી પડશે તો દેશ નબળો પડશે.
હરિયાણાના ભૂતપૂર્વ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું હતું કે કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે. એક કોંગ્રેસ પાર્ટીમાં છે, બીજા લોકોની અંદર કોંગ્રેસ છે. ગુલામ નબી આઝાદ એ લોકોમાં છે, જેમની અંદર કોંગ્રેસ છે. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું હતું કૈ છેલ્લા એક દાયકાથી કોંગ્રેસ નબળી પડી છે. આજે આપણા બધા સાથી નેતાઓ અહીં એકત્ર થયા છીએ, જેથી કોંગ્રેસને ફરી મજબૂત કરી શકાય.