વિશ્વ આખામાં થઈ ચંદ્રયાન-2 લોન્ચિંગની ચર્ચા, શું કહ્યું વિદેશી મીડિયાએ…

નવી દિલ્હીઃ ભારતે ગઈકાલે ચંદ્રયાન-2નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું તેની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. ચંદ્રયાનના લોન્ચિંગના સમાચાર વિદેશી મીડિયામાં પણ છવાયેલા રહ્યાં. ન્યૂયોર્ક ટાઈમ્સથી લઈને અલઝઝીરા સુધી અલગઅલગ શીર્ષકોથી ભારતના ચંદ્રયાન મિશન પર સમાચારો છપાયાં. ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું કે ભારતે બીજા પ્રયાસમાં ચંદ્રયાન-2 નું લોન્ચિંગ કર્યું.

જેફરી જેટલમૈન અને હરિ કુમારે લખ્યું કે અંતરિક્ષ કાર્યક્રમથી વધારે કોઈપણ વસ્તુ દેશને એકતાના સૂત્રમાં નથી બાંધતી. ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું કે ભારતના મહત્વકાંક્ષી અંતરિક્ષ કાર્યક્રમમાં આ એક મોટી છલાંગ હશે. છેલ્લાં કેટલાક સપ્તાહમાં ચંદ્રયાનના ફોટોગ્રાફ્ટ બધે જ દેખાતા રહ્યાં અને ત્યાં સુધી કે શાળાના બાળકો પણ પ્લાસ્ટિકની બોટલોથી બનેલા મિની ચંદ્રયાનને બનાવવામાં લાગ્યાં છે. વોશિંગ્ટન પોસ્ટે લખ્યું કે ભારતે બીજા પ્રયત્નમાં મૂન મિશન લોન્ચ કર્યું.

આ જ પ્રકારે સીએનએને લખ્યું કે ભારતને બીજા પ્રયાસમાં મૂન મિશન લોન્ચ કરવામાં સફળતા મળી. સીએનએનના રિપોર્ટમાં એપણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ઈસરોએ કેવી રીતે ટેક્નીકલ ક્ષતિને દૂર કરતા ચંદ્રયાન-2 ને લોન્ચ કર્યું.

ગાર્જિયને લખ્યું કે પહેલી લોન્ચિંગ બંધ રહ્યાં બાદ ભારતનું ચંદ્રયાન-2 મિશન થયું સફળ. બ્રિટિશ સમાચારપત્ર ધ ઈન્ડિપેન્ડેન્ટે લખ્યું કે ભારતે પહેલા પ્રયાસ બાદ ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું.