નવી દિલ્હીઃ કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં લાગેલો હિજાબ પ્રતિબંધ હાલ યથાવત્ રહેશે. આ કેસની સુનાવણી કરવાવાળા બંને જજોમાં મતભેદ સામે આવ્યા છે. ખંડપીઠના એક જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ હાઇ કોર્ટનો યુકાદો ફેરવી તોળવાના પક્ષમાં ચુકાદો આપ્યો છે, જ્યારે જસ્ટિસ હેમંત ગુપ્તાએ હાઇકોર્ટના ચુકાદાને જાળવી રાખવા માટે ચુકાદો આપ્યો હતો, જેથી હવે મોટી બેન્ચની રચના માટે CJIને કેસ મોકલવામાં આવ્યો છે.
આ પહેલાં જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે 10 દિવસોની લાંબી સુનાવણી પછી 22 સપ્ટેમ્બરે આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. ખંડપીઠે કર્ણાટક હાઇકોર્ટના ચુકાદાને પડકારતી 23 અરજીઓ પર સુનાવણી કરી હતી.
આ અરજીમાં કર્ણાટક સરકાર પર સવાલ ઊભા કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે હિજાબ પ્રતિબંધનો ચુકાદો મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં માટે કરવામાં આવ્યો હતો. આ કેસ પર વાત કરતાં અરજીકર્તા પક્ષના વકીલ આફતાબ અલી ખાને કહ્યું હતું કે આ કેસ મોટી બેન્ચને રિફર કરવામાં આવ્યો છે.વકીલ વરુણ સિંહાએ કહ્યું હતું કે હાલ હાઇકોર્ટનો ચુકાદો લાગુ રહેશે, કેમ કે એક જજે અરજીની ફગાવી દીધી છે અને બીજા જજે એ ફગાવી નથી. હવે હાઇકોર્ટનો ચુકાદો ત્યાં સુધી જારી રહેશે, જ્યાં સુધી કોઈ મોટી બેન્ચનો ચુકાદો ના આવે.
શું છે કેસ?
કર્ણાટક સરકારે પાંચમી ફેબ્રુઆરી, 2022એ સ્કૂલ-કોલેજોમાં સમાનતા, અખંડતા અને જાહેર વ્યવસ્થામાં અડચણરૂપ પહોંચાડનાર કપડાને પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અરજીકર્તાઓએ સરકારના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઇકોર્ટે રાજ્ય સરકારના આદેશને યથાવત્ રાખ્યો હતો.