નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સાધુઓને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે એકવાર ફરીથી એવું નિવેદન આપ્યું છે કે જેના પર રાજનીતિ ગરમાઈ શકે છે. દિગ્ગીરાજાએ કહ્યું કે ભગવા વસ્ત્રો પહેરીને બળત્કાર થઈ રહ્યા છે અને મંદિરોમાં બળાત્કાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આપણા સનાતન ધર્મને જેમણે બદનામ કર્યો છે તેમને ભગવાન ક્યારેય માફ નહી કરે.
દિગ્વિજય સિંહે કહ્યું કે, વ્યક્તિ પોતાનો પરિવાર છોડીને સાધુ બને છે. ધર્મનું આચરણ કરતા આધ્યાત્મ તરફ વળે છે. પરંતુ આજે લોકો ભગવા વસ્ત્રો પહેરીને લોકોને છેતરી રહ્યા છે. ભગવા વસ્ત્રો પહેરીને બળાત્કાર થઈ રહ્યા છે, અને મંદિરોમાં બળાત્કાર થઈ રહ્યા છે. શું આ જ આપણો ધર્મ છે? આપણા સનાતન ધર્મને જે લોકોએ કલંકિત કર્યો છે, તેમને ભગવાન ક્યારેય માફ નહી કરે.
તેમણે ભાજપનું નામ લીધા વગર જ કહ્યું કે “જય શ્રીરામ” નારા પર એક પાર્ટીએ પોતાનો કબ્જો કરી લીધો છે, એટલા માટે આપણે “જય સિયારામ” બોલવું જોઈએ. તેમણે એપણ કહ્યું કે એક પાર્ટીના લોકો મંદિરો અને મઠો પર કબ્જો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે મુસલમાનોથી વધારે બિનમુસ્લિમ લોકો જાસૂસી કરી રહ્યા છે.
પોતાના વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારા દિગ્ગીરાજા એ પણ કહ્યું હતું કે જે લોકો આઈએસઆઈ પાસેથી પૈસા લે છે, તે જ લોકો ભાજપ અને આરએસએસ પાસેથી પણ પૈસા લે છે. મધ્યપ્રદેશના ભિંડમાં મીડિયા સાથે વાત કરતા દિગ્વિજય સિંહે કહ્યું કે જેટલા પણ પાકિસ્તાન માટે જાસૂસી કરતા મળી આવ્યા છે, તે લોકો બજરંગદળ, ભાજપ અને આઈએસઆઈ પાસેથી પણ પૈસા લઈ રહ્યા છે. આઈએસઆઈ માટે જાસૂસી મુસ્લિમો ઓછી કરી રહ્યા છે પરંતુ બિનમુસ્લિમ લોકો વધારે કરી રહ્યા છે.
દિગ્વિજય સિંહે ભાજપ પર રાષ્ટ્રવાદનું ખોટુ ગાણું ગાવાનો આરોપ લગાવતા કહ્યું કે, અમારી વિચારધારાની લડાઈ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે છે કે જેમણે આઝાદ ભારતના સંઘર્ષમાં ક્યાંય ભાગ ન લીધો અને આપણને રાષ્ટ્રીયતાના પાઠ શિખવાડવા માંગે છે. દિગ્વિજય સિંહે સવાલ કર્યો કે, 1947 પહેલા આ લોકો ક્યાં હતા? જ્યારે ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ભાગ કરી દીધા, તે સમયે આ લોકો ક્યાં હતા? એટલા માટે અમને લોકોને શિખવાડવાની જરુર નથી.