કોણે કોણે આપી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ?

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીનો આજે 69 મો જન્મ દિવસ છે. આ અવસર પર ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ, કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત ઘણા નેતાઓએ અને વિવિધ ક્ષેત્રના જાણીતા લોકોએ તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી છે. નાયડૂએ પોતાના સંદેશમાં કહ્યું કે મોદીજીના સક્ષમ નેતૃત્વમાં દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. અમિત શાહે વડાપ્રધાનને શુભેચ્છાઓ આપતા ટ્વીટ કર્યું કે, આપના નેતૃત્વમાં નવા ભારતે વિશ્વમાં એક મજબૂત, સુરક્ષિત અને વિશ્વસનીય રાષ્ટ્ર તરીકે પોતાની ઓળખ બનાવી છે.

તેમણે કહ્યું કે, દરેક ભારતીયના જીવનને સુગમ બનાવવા માટે આપનો પરિશ્રમ અને સંકલ્પ ભાવ અમારા માટે એક પ્રેરણાસ્ત્રોત છે. એક જનપ્રતિનિધિ, એક કાર્યકર્તા અને એક દેશવાસીના રુપમાં આપની સાથે રાષ્ટ્રીય પુનર્નિર્માણમાં ભાગીદાર બનવું તે સૌભાગ્યની વાત છે. ઈશ્વર પાસે આપના સ્વસ્થ જીવન અને દીર્ઘાયુની કામના કરું છું.

અમિત શાહે ટ્વીટ કર્યું કે, વિકાસ સાથે ભારતીય સંસ્કૃતિને વધારે સમૃદ્ધ કરવામાં વડાપ્રધાનનું અદભૂત યોગદાન છે. વડાપ્રધાન મોદીએ એક સુધારકના રુપમાં ન માત્ર રાજનીતિને નવી દિશા પ્રદાન કરી છે પરંતુ આર્થિક સુધારાઓ સાથે-સાથે દશકોથી ચાલી આવતી સમસ્યાઓનું સ્થાયી સમધાન લાવીને તમામ લોકોને ગૌરવાન્વિત કર્યા. તેમણે કહ્યું કે દ્રઢ ઈચ્છાશક્તિ, નિર્ણાયક નેતૃત્વ અને અથાગ પરિશ્રમના પ્રતિક અને દેશના સર્વાધિક લોકપ્રિય નેતા વડાપ્રધાન મોદીને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે વડાપ્રધાન મોદીને શુભેચ્છાઓ આપતા કહ્યું કે, તેમના દૂરદર્શી નેતૃત્વએ ભારતને પ્રતિષ્ઠાની નવી ઉંચાઈઓ પર લઈ જવામાં મદદ કરી છે. હું તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરું છું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની શુભકામનાઓ, અમે તેમના લાંબા અને તંદુરસ્તીભર્યા જીવન માટે કામના કરીએ છીએ. તો બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે ટ્વીટ કર્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ, તેમના સ્વસ્થ જીવન અને દીર્ઘાયુ માટે હું પ્રાર્થના કરું છું.  

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વડાપ્રધાનને જન્મ દિવસની શુભકામનાઓ આપી છે. બેનર્જીએ પોતાના ટ્વીટર પર લખ્યું કે વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભકામનાઓ, તેઓ પ્રશાસનિક મુદ્દાઓ પર ચર્ચા માટે મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરવાના છે.

તો લોકસભામાં સ્પીકર અને બીજેપી સાંસદ ઓમ બિરલાએ લખ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિવસની અનંત શુભકામનાઓ. આપના વિલક્ષણ નેતૃત્વમાં દેશ નવા કિર્તિમાન પ્રાપ્ત કરીને પ્રગતિના પંથ પર અગ્રેસર થશે, એવી પ્રાર્થના સાથે પુનઃ આપને શુભેચ્છાઓ.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ આપી છે. કોંગ્રેસના અધિકારિક ટ્વીટર હેન્ડલથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને તેમના જન્મ દિવસ પર શુભેચ્છાઓ આપી છે. તેમણે તેમના સ્વસ્થ, સુખી અને લાંબા જીવન માટે પ્રાર્થના કરી છે. જાણીતા ગાયિકા લતા મંગેશકરે વડાપ્રધાન મોદીને શુભેચ્છાઓ આપતા ટ્વીટ કર્યું કે, નમસ્કાર આદરણીય નરેન્દ્રભાઈ, આપને જન્મ દિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આપની દેશભક્તિ અને આપના અથાગ પરિશ્રમથી દેશ નિરંતર પ્રગતિના પથ પર આગળ વધી રહ્યો છે, આ જોઈને મને ખૂબ પ્રસન્નતા થઈ રહી છે. ભગવાન મહાદેવ આપની દરેક મનોકામના પૂર્ણ કરે એ જ મારી મંગલ કામના… આપની બહેન લતા…તો રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન મોદીને તેમના જન્મ દિવસ પર શુભેચ્છાઓ આપી છે, રાહુલે પોતાના ટ્વીટમાં લખ્યું કે વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભેચ્છાઓ, હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.