નવી દિલ્હીઃ શહેરમાં એક મહિલા પોલીસ કર્મચારીની હત્યા થતા ખભળાટ મચી ગયો છે. દિલ્હીના રોણિહી પૂર્વ મેટ્રો સ્ટેશન નજીક ગત મોડી રાત્રે દિલ્હી પોલીસની જે 26 વર્ષીય મહિલા સબ ઈન્સ્પેક્ટર પ્રીતિ અહલાવતની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી તેને મારવા વાળો 2018 બેચનો સબ ઈન્સ્પેક્ટર દીપાંશુ રાઠી છે. દીપાંશુ પ્રીતિ સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તેણે ના પાડી હતી.
પ્રીતિની હત્યા બાદ દીપાંશુ રાઠીએ સોનીપતમાં આત્મહત્યા કરી લીધી છે. તેની ગાડી અને મૃતદેહ સોનીપતથી મળી આવ્યો હતો. દીપાંશુ સોનીપતનો રહેવાસી હતી. દિલ્હીની ચૂંટણીમાં વોટિંગના થોડા કલાકો પહેલા મહિલા સબ ઈન્સપેક્ટરની હત્યાની આ ઘટના બની છે. મહિલા પોલીસકર્મી દિલ્હીના પટપડગંજ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતી. તે ડ્યૂટી બાદ જ્યારે રોહિણીમાં પોતાના ઘરે પાછી આવી રહી હતી ત્યારે રોહિણી પૂર્વ મેટ્રો સ્ટેશન પાસે તેની હત્યા કરી દેવામાં આવી.
પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે રાત્રે આશરે 9:30 વાગ્યે 26 વર્ષની પ્રીતિ અહલાવત ડ્યૂટી બાદ મેટ્રોથી રોહિણી પૂર્વ મેટ્રો સ્ટેશન પર ઉતરી અને ચાલતી ઘર તરફ જઈ રહી હતી. આશરે 50 મીટર ચાલ્યા બાદ તે વ્યક્તિ આવ્યો અને તેણે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. એક ગોળી પ્રીતિના માથામાં વાગી અને તેનું સ્થળ પર જ મોત થયું. ઘટનાની જાણ થતા જ પોલીસ ત્યાં પહોંચી અને મહિલા પોલીસ કર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસે બાજુમાં લાગેલા સીસીટીવી કેમેરામાંથી ફુટેજ જપ્ત કર્યા છે. પોલીસનું કહેવું છે કે, તમામ રીતે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.