નવી દિલ્હીઃ અત્રે વિશેષ સીબીઆઈ અદાલતે એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)ના કો-લોકેશન કૌભાંડ સંબંધે ભૂતપૂર્વ એમડી-સીઈઓ ચિત્રા રામકૃષ્ણને ૨૮મી માર્ચ સુધી અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે તથા એમને ઘરનું ખાવાનું આપવાની પરવાનગી આપી નથી.
રામકૃષ્ણ તપાસમાં સહયોગ આપી રહ્યાં નથી તથા ઉડાઉ જવાબ આપે છે એ મતલબની રજૂઆત સીબીઆઇએ કરી હતી.
ચિત્રાને ઘરનું ખાવાનું આપવા માટેની અરજીને ફગાવતાં અદાલતે કહ્યું હતું, “તેઓ પોતાનાં કૃત્યોને લીધે કસ્ટડીમાં છે. એમને વીઆઇપી સુવિધાઓ આપી શકાય નહીં. કસ્ટડીમાં આપવામાં આવતું ભોજન સારું હોય છે. મેં પણ ઘણી વાર ખાધું છે. આ આરોપી વીઆઇપી નથી. વીઆઇપી કેદીઓને બધું જોઈતું હોય છે. તેઓ દરેક નિયમને બદલી કાઢવા માગતા હોય છે, પરંતુ દરેક કેદી સમાન હોય છે.”
ચિત્રા રામકૃષ્ણના જામીન માટે વકીલે ૪૫૦ પાનાંની અરજી કરી હતી. ન્યાયમૂર્તિ સંજીવ અગરવાલે કહ્યું હતું, “જામીન માટે અરજી કરવી એ અત્યારે ઘણું વહેલું કહેવાય. શું તેઓ આનંદ સુબ્રમણ્યનને જામીન મળે ત્યાં સુધી પણ રાહ નહીં જુએ?”
અહીં જણાવવું રહ્યું કે ચિત્રા રામકૃષ્ણ અને એનએસઈના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઑફિસર આનંદ સુબ્રમણ્યનને સીબીઆઇએ કો-લોકેશન કૌભાંડ સંબંધે પકડી પાડ્યાં છે. હાલ આનંદ સુબ્રમણ્યન પણ અદાલતી કસ્ટડીમાં છે. એમના જામીન માટેની અરજી સંબંધે અદાલત ૨૪મી માર્ચે આદેશ આપવાની છે. ચિત્રા રામકૃષ્ણને અદાલતી કસ્ટડી દરમિયાન દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવશે.
ચિત્રાને ઘરનું ખાવાનું આપવા ઉપરાંત દવાઓ, ચશ્માં, ફેસ માસ્ક તથા પ્રાર્થના માટેનું પુસ્તક સાથે લઈ જવાની પરવાનગી આપવાની અરજી સંબંધે અદાલતે કહ્યું હતું કે તેઓ દવા, ચશ્માં, હનુમાન ચાલીસા અને ભગવદ્ ગીતા સાથે લઈ જઈ શકે છે, પણ ઘરનું ખાવાનું નહીં આપી શકાય.
ન્યાયમૂર્તિએ સીબીઆઇને પણ ઠપકો આપ્યો હતો. અગાઉ તમે ૧૪ દિવસની કસ્ટડી માગી હતી અને હવે વધુ કસ્ટડી માગી રહ્યા નથી. શું તેઓ આ એફઆઇઆરમાં સૂત્રધાર નથી, કે પછી કોઈ બીજી વ્યક્તિ જ દોરીસંચાર કરી રહી છે?
અહીં જણાવવું રહ્યું કે અદાલતે ગત આઠમી માર્ચે સીબીઆઇને ધીમી તપાસ બદલ ઠપકો આપતાં કહ્યું હતું કે દેશની પ્રતિષ્ઠા જોખમમાં છે. રોકાણકારો ભારત છોડીને ચીન ચાલ્યા જશે.
એનએસઈના કો-લોકેશન કૌભાંડમાં કેટલાક બ્રોકરોને અન્યોનાના ભોગે ખાસ સુવિધાઓ આપવામાં આવી હતી, જેની મદદથી તેઓ ટ્રેડિંગમાં લાભ ખાટી શક્યા હતા.