નવી દિલ્હીઃ ભારતીય સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બરના રોજ રિટાયર્ડ થઈ રહ્યા છે, જેને લઈને તેમના ઉત્તરાધિકારી એટલે કે નવા સેના અધ્યક્ષની નિયુક્તિની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ આ મામલે જાણકારી આપી છે. નવા સેનાધ્યક્ષના લિસ્ટમાં લેફ્ટનન્ટ જનરલ એમએમ નરાવને, લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ અને લેફ્ટનન્ટ જનરલ એસકે સૈની સૌથી આગળ ચાલી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે વર્તમાન સેનાધ્યક્ષ રિટાયર્ડ થવાથી ચાર-પાંચ મહિના પહેલાથી જ નવા સેનાઅધ્યક્ષની નિયુક્તિની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવે છે. નવા સેના અધ્યક્ષની નિયુક્તિમાં રક્ષા મંત્રાલયની દખલ ખૂબ ઓછી હોય છે. નવા સેનાધ્યક્ષની નિયુક્તિ પર અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદીના નેતૃત્વ વાળી કેબિનેટની નિયુક્તિ કમીટી જ લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એકલા મંત્રી છે કે જે નિયુક્તિ કમીટીમાં શામિલ છે.
પહેલા નવા સેનાધ્યક્ષની નિયુક્તિની જાહેરાત વર્તમાન સેનાધ્યક્ષના રિટાયર્ડ થયાના એક મહીના પહેલા પછી અથવા 45 દિવસ પહેલા થતો હતો. પરંતુ હવે આમાં બદલાવ આવ્યો છે. નવા સેનાધ્યક્ષની નિયુક્તિને લઈને પ્રક્રિયા તે સમયે શરુ કરવામાં આવી છે, કે જ્યારે વર્તમાન સેનાધ્યક્ષ બિપિન રાવત રિટાયર થવાના છે અને પાકિસ્તાન અને ભારત વચ્ચે અત્યારે તણાવ ચાલી રહ્યો છે. જમ્મૂ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન બોખલાયું છે અને સરહદ પર સતત ફાયરિંગ થઈ રહ્યું છે.
તો બુધવારના રોજ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતના સુરક્ષા દળો સીમા પાર પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહે. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ ફરીથી સક્રિય થવાના પ્રશ્ન પર રાજનાથ સિંહે કહ્યું કે, દેશના સુરક્ષા દળો પૂર્ણ રીતે તૈયાર છે.