સ્પેસ સ્ટેશન પર અત્યારસુધી પહોંચ્યા 239 યાત્રી, ભારતને 2 વર્ષ રાહ જોવી પડશે…

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર અત્યારસુધી દુનિયાભરના 239 અંતરિક્ષ યાત્રીઓ ગયા છે. દુનિયાભરના 19 દેશોથી ગયેલા અંતરિક્ષ યાત્રી પૃથ્વીથી આશરે 410 કિમી ઉંચાઈ પર સ્થિત સ્પેસ સ્ટેશન પર સમય વિતાવી ચૂક્યા છે. પરંતુ ભારતથી અત્યારસુધીમાં આ સ્ટેશન પર કોઈ ગયું નથી. જો તમે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર જનારા અંતરિક્ષ યાત્રીઓનું લિસ્ટ જોશો તો આપને ખ્યાલ આપશે તો ત્યાં સૌથી વધારે અમેરિકી યાત્રીઓ ગયા છે. ત્યારબાદ રશિયા, જાપાન અને કેનેડા છે.

જાણીએ કયા દેશના કેટલા અંતરિક્ષ યાત્રી સ્પેસ સ્ટેશન પહોંચ્યા

અમેરિકાઃ         151

રશિયાઃ           47

જાપાનઃ           09

કેનેડાઃ            08

ઈટલીઃ            05

ફ્રાંસઃ              05

જર્મનીઃ           03

 

બેલ્જિયમ, નેધરલેન્ડ્સ, સ્વીડન, બ્રાઝીલ, ડેન્માર્ક, કઝાકિસ્તાન, સ્પેન, ગ્રેટ બ્રિટન, મલેશિયા, દક્ષિણ આફ્રીકા, દક્ષિણ કોરિયા અને સંયુક્ત અરબ અમીરાતના 01-01 લોકો પહોંચ્યા છે.

ચંદ્રયાન-2 મિશન બાદ ઈસરો અને ભારતીય વાયુસેના ગગનયાન મિશનમાં લાગી ગયા છે. ગગનયાન ભારતનું એ મહત્વકાક્ષી મિશન છે કે જેમાં ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં 7 દિવસની યાત્રા પર મોકલવાના છે. ભારતીય વાયુસેનાએ આ મામલે 10 ટેસ્ટ પાયલટોની પસંદગી કરી છે. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં જ ટ્વીટ કરીને કહ્યું હતું કે અંતરિક્ષયાત્રીઓની પસંદગીની પ્રક્રીયાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ પસંદગી કરાયેલા 10 ટેસ્ટ પાયલટોની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. આમાં આ તમામ 10 પાયલટો સફળતાપૂર્વક પાસ થઈ ચૂક્યા છે.

વાયુસેનાએ શરુઆતમાં કુલ 25 પાયલટોની પસંદગી કરી હતી. આમાં પ્રથમ ચરણ માત્ર 10 પાયલટો જ પાસ કરી શક્યા. ઈસરો ચીફ ડો. કે. સિવને તાજેતરમાં જ ભુવનેશ્વરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ડિસેમ્બર 2021 માં ઈસરો ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં મોકલશે. આ પહેલા બે અનમૈન્ડ મિશન હશે. આ ડિસેમ્બર 2020 અને જુલાઈ 2021 માં કરવામાં આવશે. આ બંન્ને મિશનમાં ગગનયાનને કોઈપણ યાત્રી વગર અંતરિક્ષમાં મોકલવામાં આવશે. ત્યારબાદ ડિસેમ્બર 2021માં માનવ મિશન મોકલવામાં આવશે. આ મિશન સાત દિવસનું હશે. એક સપ્તાહ સુધી ભારતીય અંતરિક્ષ યાત્રીઓ પૃથ્વીથી 400 કિલોમીટરની ઉંચાઈ પર યાત્રા કરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર રશિયા ગગનયાનમાં જનારા ત્રણ ભારતીય અંતરિક્ષ યાત્રીઓને ટ્રેનિંગ આપશે.  આ પાયલટોને ટ્રેનિંગ માટે આ વર્ષે નવેમ્બર બાદ રશિયા મોકલવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશના પહેલા અંતરિક્ષયાત્રી રાકેશ વર્મા 2 એપ્રિલ 1984 માં રશિયાના સોયૂઝ ટી-11 માં બેસીને અંતરિક્ષ યાત્રા પર ગયા હતા. રાકેશ શર્મા પણ ભારતીય વાયુસેનાના પાયલટ હતા. 10 હજાર કરોડ રુપિયાના બજેટ વાળા ગગનયાન મિશનની જાહેરાત ગત વર્ષે સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન મોદીએ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]