નાગપુરઃ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની ઓફિસમાં શનિવારે ત્રણ વાર ધમકી ભર્યા કોલ આવ્યા હતા. નાગપુર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ધમકી આપનારાએ મંત્રી ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. નાગપુર પોલીસે કહ્યું હતું કે નીતિન ગડકરીના જનસંપર્ક ઓફિસની લેન્ડલાઇન નંબર પર દાઉદ નામની એક વ્યક્તિથી મંત્રીને જાન મારવાની ધમકી મળી હતી. ફોન કરનાર વ્યક્તિએ રૂ. 100 કરોડની ખંડણી માગી હતી.
નાગપુરના DCP રાહુલ મદાને જણાવ્યું હતું કે ત્રણ ફોન હતા. ડિટેલ મળી રહી છે અને અમારી ક્રાઇમ બ્રાન્ચ CDR પર કામ કરશે. એક વિશ્લેષણ ચાલી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગડકરીની સુક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમના કાર્યક્રમ સ્થળ પર પણ સુરક્ષા વધારવામાં આવી છે. પોલીસે એ નંબરની તપાસ કરી લીધી છે. એ નંબર કર્ણાટકના કોઈ વિસ્તારનો છે, જેનાથી ધમકી મળી છે.
આ પહેલાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝપ્રધાન નીતિન ગડકરીએ અને ભારે ઉદ્યોગપ્રધાન મહેન્દ્ર નાથ પાંડેએ અહીં ઓટો એક્સપો 2023એ સત્તાવાર ઉદઘાટન કર્યું હતું. તેમણે ત્યાં હાજર રહેલા લોકોને શુભકામના આપતાં જણાવ્યું હતું કે પાંચ વર્ષની અંદર ભારતીય ઓટો ઉદ્યોગ વિશ્વમાં સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બની જશે. આ ઓટો એક્સપો 14 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી માટે સામાન્ય જનતા માટે ખૂલશે.
ગડકરીએ પોતાના ઉદઘાટન ભાષણમાં રોડ અકસ્માતોને લીધે થનારા મોતોને ઓછાં કરવા માટે વાહનોમાં સુરક્ષા સુવિધા ને વધારવા માટે ઓટો ઉદ્યોગને વિનંતી કરી હતી.
