નવી દિલ્હી- દેશમાં સરકારી ડ્યૂટી પર તહેનાત સુરક્ષાકર્મી પર ભીડ દ્વારા થતાં હુમલાને લઈને લઈને અવાજ બુલંદ કરનાર બે દીકરીઓનો અવાજ સુપ્રીમ કોર્ટે સાંભળી લીધો છે. કાજલ મિશ્રા અને પ્રીતિ ગોખલે નામની બે યુવતીઓએ સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી. આ અરજીમાં ડ્યૂટી પર તહેનાત સુરક્ષાકર્મીઓ પર ભીડ દ્વારા થતાં હુમલાઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતાં. સાથે જ તેમના માનવ અધિકારોના રક્ષણની માગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ડ્યૂટી દરમિયાન ઘણી વખત તે ભીડ દ્વારા થતાં હુમલાનો શિકાર થઈ જાય છે. બંને યુવતીઓની અરજી સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.
બંન્ને યુવતીઓના પિતા સુરક્ષા દળો સાથે સંબંધ ધરાવે છે. 20 વર્ષિય કાજલના પિતા સીઆરપીએફના રિટાયર્ડ નાયબ સુબેદાર છે. તો 19 વર્ષિય પ્રીતિના પિતા કેદાર ગોખલે વર્તમાન સેનામાં લેફ્ટનન્ટ કર્નલ રેંકના પદ પર છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ મામલે યુનિયન ઓફ ઈન્ડિયા, સંરક્ષણ મત્રાલય, જમ્મુ કશ્મીર સરકાર અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) પાસેથી પણ જવાબ માગ્યો છે.
કાજલ અને પ્રીતિએ સુરક્ષા દળોના જવાનો માટે માનવાધિકારોના ઉલ્લંઘન પર નિયંત્રણ માટે એક નીતિ બનાવવાની માગ કરી છે. બંન્નેએ 2018માં NHRCનું વલણ અપનાવ્યું હતું. જે અંગે પ્રતિક્રિયા આપતા સરકારે કહ્યું હતું કે, કાર્યવાહી કરવી જોઈએ. જોકે ત્યારબાદ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, માત્ર જમ્મુ કશ્મીર રાજ્ય આયોગ જ આના પર કાર્યવાહી કરી શકે છે.
મહત્વનું છે કે, જમ્મુ કશ્મીરમાં પત્થરબાજોની ભીડ અવાર નવાર સુરક્ષા દળોને નિશાન બનાવે છે. જેમાં ઘણી વખત જવાનોના મોત પણ થાય છે. આ સ્થિતિ દેશના અન્ય ભાગોમાં પણ જોવા મળી છે. પરંતુ કશ્મીર ઘાટીમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ છે.