બેંગલુરુઃ આરએસએસમાં 12 વર્ષ પછી પરિવર્તન થયું છે. છેલ્લા 12 વર્ષથી સતત સરકાર્યવાહક પદે સુરેશ ભૈયાજી જોશી કામ કરી રહ્યા હતા. બેંગલુરુમાં ચાલી રહેલી રાષ્ટ્રીય સ્વયંસેવક (આરએસએસ)ની ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં દત્તાત્રેય હોસબોલેને સંઘના નવા સરકાર્યવાહ (મહાસચિવ) ચૂંટાઈ આવ્યા છે. સુરેશ ભૈયાજી જોશી વર્ષ 2009થી સંઘનું સૌથી મહત્ત્વપૂર્ણ સરકાર્યવાહકનું પદ સંભાળી રહ્યા હતા, જ્યારે દત્તાત્રેય સહ સરકાર્યવાહકની જવાબદારી સંભાળી રહ્યા હતા.
હોસબલે કર્ણાટકના શિમોગા જિલ્લાના મૂળ નિવાસી છે. તેઓ 1968માં આરએસએસમાં સામેલ થયા હતા. દેશમાં લાગેલી ઇમર્જન્સી દરમ્યાન તેમની ધરપકડ કરવામાં આવી હતી.
દત્તાત્રેય આસામમાં યુવા વિકાસ કેન્દ્રની સ્થાપના અને વિકાસમાં મોટી ભૂમિકા ભજવી હતી. સંઘમાં તેઓ દત્તાઝીનાનામથી લોકપ્રિય છે. તેંમની પારિવારિક પૃષ્ઠભૂમિ પણ આરએસએસથી જોડાયેલી રહી છે. એનાથી ખુશ થઈ તેમણે 1968માં આરએસએસ અને ફરી 1972માં વિદ્યાર્થી સંગઠન ABVPમાં જોડાયા હતા. તેઓ 1978માં ABVPના સંપૂર્ણ સમયના કાર્યકર્તા પણ બન્યા હતા. તેઓ 15 વર્ષ સુધી મુંબઈ ઓફિસમાં ABVP ના મહાસચિવ પણ રહ્યા છે.
એક ડિસેમ્બર, 1954માં જન્મેલા દત્તાત્રેયનું પ્રારંભિક અને સ્કૂલનું શિક્ષણ ગામમાં થયું હતું. તેમણે પ્રસિદ્ધ નેશનલ કોલેજમાં એડમિશન લીધું હતું. તેમણે અંગ્રેજી સાહિતમાં મૈસુર યુનિવર્સિટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી લીધી છે. તેઓ કન્નડની માસિક પત્રિકા ‘અસીમા’ના સંસ્થાપક સંપાદક રહ્યા છે.