નવી દિલ્હીઃ CoWin એપ્લિકેશન હેક થઈ શકે છે એવા અહેવાલોને કેન્દ્ર સરકારે આજે રદિયો આપ્યો છે અને કહ્યું છે કે આ પ્લેટફોર્મ પર રસીકરણને લગતી તમામ ડેટા સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે, CoWin એપનો ઉપયોગ ભારતમાં નાગરિકોને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી લેવા માટે એમનું નામ નોંધાવવા માટે કરવામાં આવે છે. આ એપ દેશમાં કોરોના રસીકરણ માટે એક ક્લાઉડ-આધારિત મેનેજમેન્ટ સિસ્ટમ છે. આમાં રસીકરણ કેન્દ્રથી લઈને રસી લેનાર લોકોની માહિતી સ્ટોર કરાઈ છે. કયા નાગરિકને ક્યાં, ક્યારે અને કઈ કોરોના રસી આપવામાં આવી એનો સંપૂર્ણ ડેટા બેઝ આમાં હોય છે. અત્યાર સુધીમાં આ એપ દ્વારા 27.78 કરોડ લોકોનું કોરોના રસી માટે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.
ભારત સરકાર સંચાલિત એમ્પાવર્ડ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન (EGVAC) વિભાગના ચેરમેન આર.એસ. શર્માએ કહ્યું છે કે CoWin એપમાં સ્ટોર કરાયેલી રસીને લગતી તમામ માહિતી ડિજિટલ ટેક્નોલોજી અંતર્ગત સુરક્ષિત છે. અમે એ સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે કોવિન એપ હેક થઈ શકે છે એવા અહેવાલો સાવ ખોટા છે અને નકલી છે. તે છતાં આરોગ્ય મંત્રાલય અને EGVAC સાથે મળીને આ મામલે તપાસ કરી રહ્યાં છે. કોવિનની બહાર કોઈ પણ સંસ્થા સાથે આ એપમાંની કોઈપણ વિગત-ડેટા શેર કરાઈ નથી.