દલિતો, આદિવાસીઓ મને તેમના પ્રતિબિંબ તરીકે જોઈ શકેઃ મુર્મુ

નવી દિલ્હીઃ દેશના ચીફ જસ્ટિસ  ઓફ ઇન્ડિયા (CJI)  એન.વી. રમન્ના એ સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત એક સમારોહમાં 64 વર્ષીય દ્રોપદી મુર્મુને 15મા રાષ્ટ્રપતિ તરીકે સોગંદ અપાવડાવ્યા હતા. આ પ્રસંગે લોકોને સંબોધિત કરતાં મુર્મુએ કહ્યું હતું કે સ્વતંત્ર ભારતમાં જન્મેલી હું પહેલી રાષ્ટ્રપતિ છું. મારી પસંદગીમાં ગરીબોના આશીર્વાદ સામેલ છે. તેમણે કહ્યું હતું કે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર ચૂંટી કાઢવા માટે હું બધા સાંસદો અને બધા વિધાનસભાના સભ્યોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યું છે. તમારો મત દેશના કરોડો નાગરિકોના વિશ્વાસની અભિવ્યક્તિ છે. મને રાષ્ટ્રપતિ તરીકે દેશે એક એવા મહત્ત્વના કાળખંડમાં ચૂંટી કાઢી, જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સ્વ ઊજવી રહ્યા છીએ. હવે થોડા સમય પછી દેશ સ્વાધીનતાનાં 75 વર્ષ પૂરાં કરશે, એમ તેમણે કહ્યું હતું.

નવા રાષ્ટ્રપતિના પહેલા સંબોધનમાં તેમણે કહ્યું હતું કે આ પણ એક સંયોગ છે કે જ્યારે દેશ આઝાદીનાં 50 વર્ષ ઊજવી રહ્યો હતો, ત્યારે મારા રાજકીય જીવનનો પ્રારંભ થયો હતો અને આજે આઝાદીનાં 75 વર્ષમાં મને આ નવી જવાબદારી મળી છે.

મેં મારી જીવન યાત્રા ઓડિશાના એક નાના આદિવાસી ગામથી શરૂ કરી હતી. હું જે પૃષ્ઠભૂમિમાંથી આવું છે, ત્યાં મારા માટે પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કરવું એક સપના જેવું છે, પણ અન્ક અડચણો છતાં મારો સંકલ્પ દ્રઢ રહ્યો અમને હું કોલેજ જવાવાળી ગામની પહેલી પુત્રી બની.

હું જનજાતિ સમાજથી છું અને વોર્ડ કાઉન્સિલરથી માંડીને દેશની રાષ્ટ્રપતિ બનવા સુધીની તક મને મળી છે. આ લોકતંત્રની જનની ભારત વર્ષની મહાનતા છે. આ અમારા લોકતંત્રન જ શક્તિ છે, જેમાં એક ગરીબ ઘરમાં પેદા થયેલી પુત્રી, અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં પેદા થયેલી પુત્રી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચી શકી છે. રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી વ્યક્તિગત સફળતા નથી, આ ભારતના પ્રત્યેક ગરીબની સફળતા છે. હું આ પદે ચૂંટાઈ- એ એ વાતના પુરાવા છે કે ભારતમાં ગરીબ સપનાં જોઈ પણ શકે છે અને એને પૂરાં પણ કરી શકે છે, એમ તેમણે કહ્યું હતું.