દલાલ સ્ટ્રીટ કે હલાલ સ્ટ્રીટ?: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો

અમદાવાદઃ કોરોના વાઇરસનો કેર અને યસ બેન્કની ક્રાઇસિસને લીધે સપ્તાહના પ્રારંભે જ ભારતીય શેરબજારોમા છ ટકા કરતાં પણ વધુ તૂટ્યા હતા. અધૂરામાં પૂરું ક્રૂડ ઓઇલમાં પણ પ્રાઇસ વોર શરૂ થયું હતું. સાઉદી અરેબિયા અને રશિયા વચ્ચે ઓઇલની કિંમતોને લઈને પ્રાઇસ વોર થયું હતું. જેણે બળતામાં ઘી હોમ્યું હતું. જેથી વૈશ્વિક માર્કેટોની સાથે ભારતીય બજારો પણ કડડડભૂસ થયાં હતાં. આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં સૌથી મોટો એક દિવસીય કડાકો જોવા મળ્યો હતો. વિશ્વમાં જે ઝડપથી કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, એને લીધે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ફરી એક વાર નબળું પડ્યું છે. જેથી સેન્સેક્સ બપોરના સેશનમાં 2400 પોઈન્ટ અથવા 6.4 ટકા તૂટી ગયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 650 પોઇન્ટ અથવા 5.91 ટકા તૂટી ગયો હતો.

વિશ્વભરમાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી 3600 લોકોનાં મોત થયાં છે. જેમાં ઇટાલીમાં આજે 233 લોકોના મોત થયાં હોવાના અહેવાલ હતા. ભારતમાં પણ અત્યાર સુધી 40 લોકો કોરોના કેસ સામે આવ્યા છે.

 

અમેરિકી અને યુરોપિયન માર્કેટમાં પણ કડાકો

અમેરિકામાં ડાઉ જોન્સ ફ્યુચર્સે 1,255 પોઇન્ટ ગુમાવ્યા હતા. જે સીધો સંકેત આપે છે કે અમેરિકી બજારો નરાઈ સાથે ખૂલશે. આ સાથે યુરોપિયન માર્કેટ- ફ્રાન્સનો કેક, જર્મનીનો ડેક્સ અને બ્રિટનનો FTSE ફ્યુચર્સ નવ ટકા કરતા નીચા ખૂલ્યાં હતાં.

  •  આ સાથે યુએસ 10 વર્ષીય ટ્રેઝરી યિલ્ડ પણ નવા નીચા સ્તરે 0.347 પહોંચ્યું હતું.
  • આ સાથે યસ બેન્કિંગની કટોકટીને લીધે બેન્કિંગ શેરો પણ 13 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
  • નિફ્ટીના સેક્ટોરિયલ ઇન્ડઇસિસ 3થી આઠ ટકા તૂટ્યા હતા.
  • બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ શેરો પ્રત્યેક પાંચ ટકા જેટલા તૂટ્યા હતા.
  • 750 શેરો 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

સ્ટેટ બેન્કની જાહેરાતે બેન્કિંગ શેરોમાં કડાકો

સ્ટેટ બેન્કે યસ બેન્કમાં રૂ. 2,450 કરોડની મૂડી ઠાલવવાની જાહેરાત સાથે જ ઇન્ટ્રા-ડેમાં શેર છ ટકા કરતાંનો મોટો ઘટાડો નોંધાયો હતો. એની સાથે અન્ય બેન્કિંગ શેરો પણ તૂટ્યા હતા.

વોલેટિલિટી ઇન્ડેક્સ ચાર વર્ષની ઊંચાઈએ

ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ 33.38ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. જે 30.18 ટકા નીચો છે. જે સ્પષ્ટ સંકેતો મંદીના આપી રહ્યો છે.

રિલાયન્સ સહિત અનેક શેરો 10 ટકાથી વધુ તૂટી ગયા છે. રિલાયન્સ 12 ટકા, ઓએનજીસી 14 ટકા, ઇન્ડ્સઇન્ડ બેન્ક 11,60 ટકા તાતા સ્ટીલ અને ટીસીએ 7.38 ટકા, ઇન્ફોસિસ પાંચ ટકા અને ટેક મહિન્દ્રા પાંચ ટકાથી વધુ તૂટ્યા હતા.