લખનઉ – જમ્મુ અને કશ્મીર રાજ્યના પુલવામા જિલ્લામાં કરાયેલા ટેરર હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના ઉત્તર પ્રદેશના કનૌજનિવાસી જવાન પ્રદીપ કુમાર સિંહના પાર્થિવ શરીરને ગઈ કાલે એની મોટી પુત્રીએ અગ્નિદાહ આપ્યો હતો ત્યારે સમગ્ર વાતાવરણ ખૂબ જ ગમગીન થઈ ગયું હતું. શહીદ જવાનની એ પુત્રી હજી માત્ર 10 વર્ષની છે.
પિતાની ચિતાને અગ્નિદાહ આપતી વખતે સુપ્રિયા સિંહને સગાંઓની મદદ લેવી પડી હતી. અગ્નિદાહ આપ્યાં બાદ એ છોકરી બેશુદ્ધ થઈ ગઈ હતી. એને તરત જ હોસ્પિટલમાં લઈ જવી પડી હતી.
ગયા ગુરુવારે પુલવામાના અવંતિપુરા વિસ્તારમાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની એક બસ પર કાર-બોમ્બ હુમલો કર્યો હતો. એ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. એમાંના એક પ્રદીપ કુમાર સિંહ પણ હતા. અઢી હજાર જેટલા જવાનો પોતપોતાના પરિવારજનો સાથે અમુક સમય વિતાવ્યા બાદ કશ્મીરસ્થિત એમની છાવણી-ચોકીઓ પર પાછા ફરી રહ્યા હતા ત્યારે એમની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રદીપ કુમાર સિંહે ઉત્તર પ્રદેશા કનૌજ શહેરમાં પરિવાર સાથે આનંદ માણવા માટે એક મહિનાની રજા લીધી હતી.
સુપ્રિયા સિંહનાં પપ્પા હસતા હસતા ઘેરથી ફરજ પર જવા રવાના થયા હતા અને શનિવારે જ્યારે પાછા આવ્યા ત્યારે નિર્જીવ અવસ્થામાં શબપેટીમાં હતા.
પ્રદીપ કુમારની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયાં હતાં. અંતિમ યાત્રા ઘેરથી નીકળી ત્યારે સુપ્રિયા પણ કોફિનની સાથેને સાથે સ્મશાન સુધી ચાલી હતી. ત્યાં પ્રદીપ કુમારના પાર્થિવ શરીરને રાષ્ટ્રધ્વજમાં વીંટાળવામાં આવ્યો હતો.
ગયા ગુરુવારે બપોરે ત્રાસવાદી હુમલો થયો એ વખતે 30 વર્ષીય પ્રદીપ કુમાર એમના પત્ની નીરજાની સાથે ફોન પર વાત કરતા હતા. નાની દીકરી માન્યા શું કરે છે એ વિશે એમણે પૃચ્છા કરી હતી. નીરજાએ હજી તો જવાબ આપવાનું શરૂ કર્યું હતું ત્યાં અચાનક ફોન કટ થઈ ગયો હતો.
નીરજાએ જ્યારે ફરી ફોન લગાડ્યો ત્યારે મેસેજ આવ્યો કે ફોન સ્વિચ્ડ ઓફ્ફ છે. ત્યારબાદ એમણે ટીવી ચેનલો પર જોયું કે ટેરર હુમલો થયો છે.
પુલવામા જિલ્લાના આતંકી હુમલામાં ઉત્તર પ્રદેશના 11 જવાન શહીદ થયા હતા.