કેરળમાં નવી મુસીબત: પૂરગ્રસ્ત ઘરોમાં મગર, સાપ ઘૂસ્યા

તિરુવનંતપુરમ – ગઈ 8 ઓગસ્ટથી કેરળમાં ભારે વરસાદ અને પૂરે ચારેકોર વિનાશ વેર્યો છે. લાખો લોકોને એમના ઘર છોડીને સલામત એવી રાહત છાવણીઓમાં જઈને આશરો લેવાની ફરજ પડી હતી. હવે જ્યારે પૂરનાં પાણી ઓસરવા માંડ્યા છે અને તેઓ પોતપોતાનાં ઘેર પાછાં ફરવા લાગ્યા છે ત્યારે એમને નવી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. એમનાં ઘરોમાં મગર અને સાપ પ્રાણીઓએ કબજો જમાવી દીધો છે.

 

થ્રિસુર જિલ્લાના ચાલાકુડી ગામમાં એક માણસ જેવો એનાં ઘેર પાછો ફર્યો તો જોયું તો અંદર મગર ઘૂસેલો હતો. એણે બૂમાબૂમ કરીને પડોશીઓને બોલાવ્યા હતા અને સૌએ મળીને દોરડાની મદદથી મગરને પકડી લીધો હતો.

આવી ઘટનાઓ અલાપુળા, પઠનમમિટ્ટા, ઈડુક્કી, કોળીકોડે, એર્નાકુલમ, માલાપુરમ અને વાયનાડ જિલ્લાઓમાં પણ બની છે. આ જિલ્લાઓમાં પૂરે સૌથી વધુ બરબાદી કરી છે. કેરળમાં સો વર્ષમાં આ પહેલી જ વાર આ પ્રકારનું પૂર આવ્યું છે.

પૂરની આફતમાં 370 જેટલા લોકો માર્યા ગયા છે અને લાખો લોકો બેઘર થઈ ગયા છે. ખાનગી તથા જાહેર સંપત્તિનું પારાવાર નુકસાન થયું છે.

માલાપુરમમાં મુસ્તફા નામનો એક મદારી ખૂબ જ વ્યસ્ત થઈ ગયો છે. કારણ કે છેલ્લા બે દિવસથી પૂરનાં પાણી ઓસરવાનું શરૂ થયું છે ત્યારથી એને લોકો સતત એનો સંપર્ક કરે છે અને એ અત્યાર સુધીમાં અનેક ઘરોમાંથી 100થી વધારે સાપ પકડી ચૂક્યો છે.

મુસ્તફાનું કહેવું છે કે પૂર આવે ત્યારે નદીઓ, નાળા અને તળાવો છલકાઈ જાય એટલે એમાં રહેતા મગર અને સાપ સપાટી પર આવી જાય. જે લોકો એમના ઘેર પાછા ફરે તેઓ ખાસ ધ્યાન રાખે અને જૂતાં પહેર્યા વગર ઘરમાં પ્રવેશ ન કરે, કારણ કે ટાઈલ્સ કે ભીના લાકડાની નીચે સાપ ભરાઈને બેઠા હોય એવી પૂરી શક્યતા છે.

એર્નાકુલમના અંગામલી નગરની એક હોસ્પિટલમાં સર્પદંશના બાવન જેટલા કેસો આવ્યા છે.

પઠનમમિટ્ટામાંથી પણ અહેવાલો મળ્યા છે કે ઘણા લોકો પૂરનાં પાણી ઓસર્યા બાદ પાછા ફર્યા હતા, પણ અંદર સાપને જોઈને ભાગી ગયા હતા.

કેરળ સરકારે જાહેરાત કરી છે કે તમામ અસરગ્રસ્ત સ્થળોએ સર્પઝેર-વિરોધી દવાઓનો પૂરતો સ્ટોક આપવામાં આવ્યો છે.

httpss://youtu.be/r510h4dQZGQ