24-વર્ષીય જોડિયા-ભાઈઓને કોરોના થયો, સાથે દુનિયા છોડી ગયા

મેરઠઃ ઉત્તર પ્રદેશના આ શહેરના એક દંપતી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એમના 24-વર્ષીય જોડિયા પુત્રોને કોરોનાવાઈરસની બીમારી થતાં એક સાથે બંનેનું મૃત્યુ થયું છે. મૃતક ભાઈઓ – જોફ્રેડ અને રાલ્ફ્રેડ ગ્રેગરી 1997માં એક જ દિવસે ત્રણ-મિનિટના અંતરે જન્મ્યા હતા અને ગઈ 13 મેએ બંને જણે કોરોના સામે જંગ હારી જતાં અમુક કલાકો આગળ પાછળ રહીને દુનિયાને અલવિદા કહી દીધી. બંનેએ હજી ગઈ 23 એપ્રિલે એમનો 24મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના એક જ દિવસ બાદ, 24 એપ્રિલે એમને કોરોના થયો હોવાનું માલૂમ પડ્યું હતું. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરો એમને બચાવી ન શક્યા.

ગ્રેગરી રેમંડ અને એમના પત્ની સોજા રાફેલની તો જાણે એમની આસપાની દુનિયા સમાપ્ત જ થઈ ગઈ છે. તેઓ બંને જણ શિક્ષક છે. મેરઠની આનંદ હોસ્પિટલમાં દાખલ કરાયેલા રાલ્ફ્રેડે એની માતાને પૂછ્યું હતું કે કે ‘જોફ્રેડને કેમ છે?’ ત્યારે માતાએ કહ્યું કે ‘એને દિલ્હીની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.’ ત્યારે રાલ્ફ્રેડે કહ્યું કે ‘મા તું ખોટું બોલી રહી છો.’ અને તે પછીના દિવસે રાલ્ફ્રેડનું પણ કોવિડને કારણે મૃત્યુ થયું હતું. બંને જણ સરખા જ હતા. બંનેની હાઈટ 6 ફૂટ હતી. બંને જણ સાથે જ કોલેજમાં જતા હતા અને કોઈમ્બતુરમાં બી-ટેકમાં ડિગ્રી હાંસલ કરી હતી. જોફ્રેડ એક્સેન્ચરમાં કામ કરતો હતો જ્યારે રાલ્ફ્રેડ હ્યુન્ડેઈ મ્યુબીસમાં કામ કરતો હતો. બંનેનો પ્લાન વિદેશમાં સ્થાયી થવાનો હતો.