કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ 67,000 નવા કેસ, 942નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેથી કુલ કેસોની સંખ્યા 23 લાખને પાર થઈ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 66,999 નવા કેસ સામે આવ્યા છે, જે એક દિવસમાં અત્યાર સુધી આવેલા કેસોમાં સૌથી વધુ છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 942 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 23,96,637 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 47,033 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 16,95,982 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,53,622એ પહોંચી છે. મૃત્યુદર ઘટીને 1.96 ટકા થયો છે.

કોરોનાથી પ્રભાવિત ટોપ 10 દેશ

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા સૌથી ઉપર છે. અહીં 53. 60 લાખથી વધુ લોકો સંક્રમિત છે. એ પછી બ્રાઝિલ (31,70,474), ભારત (23,95,471) અને રશિયામાં (9,02,701) કેસો નોંધાયા છે. ત્યાર બાદ સાઉથ આફ્રિકા, મેક્સિકો, પેરુ, કોલંબિયા, ચિલી અને સ્પેનનો સમાવેશ થાય છે.

પોઝિટિવિટી રેટ 8.06 ટકા

દેશમાં કોરોના વાઇરસનો પોઝિટિવિટી રેટ 8.06 ટકા ચાલી રહ્યો છે. એટલે કે જેટલાં સેમ્પલોની ટેસ્ટિંગ થઈ રહ્યાં છે, એમાં 8.06 ટકા સેમ્પલ પોઝિટિવ નીકળી રહ્યા છે. ગઈ કાલે દેશમાં 8,30,391 ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી  2,68,45,688 સેમ્પ્લોનાં ટેસ્ટિંગ થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.