વિશાખાપટ્ટનમ: કોરોના વાઈરસ સામે દેશ જંગ લડી રહ્યો છે તો કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે જે આપણે ખરેખર વિચારવા પર મજબૂર કરી દે છે. કેટલાક એવા અધિકારીઓ છે જે તેમના ઘર પરિવારને છોડીને સમાજની ચિંતા કરી રહ્યા છે. આ સંકટકાળમાં પોલીસ, ડોક્ટર્સ અને અધિકારીઓના માનવીય ચેહરા લોકોને બચાવવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે.
આવા જ એક મહિલા અધિકારી છે શ્રૃજન ગુમ્માલા.
વાત જાણે એમ છે કે, શ્રૃજન આંધ્રપ્રદેશના ગ્રેટર વિશાખાપટ્ટનમમાં મ્યુનિસિપલ કમિશનર છે. તેમને છ મહિનાની મેટરનિટી લીવ મળી હતી પરંતુ તેમણે રજા લેવાનો ઈનકાર કર્યો. માત્ર 22 દિવસના બાળકને સાથે રાખીને ફરજ પર પરત હાજર થયા છે.
શ્રૃજન જણાવે છે કે, તેઓ મેટરનિટી લીવ પર હતા પરંતુ તેમનું ચિત્ત ચોટતું નહોતું. તેઓ એક જવાબદાર અધિકારી તરીકે ઘરમાં બેસી શકતા નહોતા. તેમણે માતૃત્વની સાથે સમાજ પ્રત્યેની પોતાની ફરજને પણ સન્માન આપ્યું. શ્રૃજને જણાવ્યું કે, તેમણે પોતાની રજાઓ રદ્દ કરી દીધી અને ફરીથી કામ પર જોડાઈ ગયા. તેઓ પોતોના 22 દિવસના બાળકને ઘરે નહોતા રાખી શકતા એટલે તકેદારીના તમામ પગલા સાથે ઓફિસ પહોંચ્યા હતા.
કામની સાથે બાળકનું પણ રાખે છે ધ્યાન
બાળકને ખોળામાં રાખીને તેઓ ઓફિસમાં કામ કરે છે. તેઓ અધિકારી તરીકે ભલે કઠોર હોય પરંતુ એક મા તરીકે અત્યંત સંવેદનશીલ છે. તેમણે જણાવ્યું કે, આ ઈમર્જન્સી સમયમાં લોકોને સ્વચ્છ પાણી અને આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે તે જરૂરી છે.
શ્રૃજને જણાવ્યું કે, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી દિવસરાત મહેનત કરતા હોય તો આપણે પણ યોગદાન આપવું જોઈએ. તેમની ફરજ પૂરી કરવામાં પરિવાર પણ યોગદાન આપી રહ્યો છે. શ્રૃજને જણાવ્યું કે, સૌના આગ્રહને વશ થઈને હું બાળકને ઘરે મૂકીને આવી છું. મેં નિર્ણય કર્યો છે કે હું દર ચાર કલાકે ઘરે જઈને બાળકને ફીડિંગ કરાવી આવીશ. આજકાલ શ્રૃજનના પતિ પણ બાળકની સારસંભાળમાં જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે, કોવિડ-19ના પગલે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવામાં લોકડાઉન દરમિયાન અમુક મુખ્ય વિભાગો 24 કલાક કાર્યરત છે જેમાંથી એક મ્યુનિસિપલ કોર્પોરેશન પણ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રૃજને ગયા મહિને બાળકને જન્મ આપ્યો છે. તેઓ 6 મહિનાની મેટરનિટી લીવ પર હતા.