નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 75 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 46,790 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 587 લોકોનાં મોત થયાં છે. દેશમાં હવે કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 75,97,063 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,15,197 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 67,33,328 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,48,538એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 87.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.52 ટકા થયો છે.
અડધી જનસંખ્યા કોરોનાથી સંક્રમિત
દેશમાં કોરોના વાઇરસ રોગચાળાનો પ્રકોપ હજુ પણ યથાવત છે. હવે રોગચાળાના ફેલાવાને લઈને ભારત સરકાર તરફથી બનાવવામાં આવેલ નિષ્ણાતોની એક પેનલે મોટો ખુલાસો કર્યો છે. પેનલે અંદાજ વ્યક્ત કર્યો છે કે આગામી વર્ષે ફેબ્રુઆરી સુધીમાં ભારતની અડધી જનસંખ્યા કોરોનાથી સંક્રમિત થઈ ગઈ હશે.
દેશની અંદાજે 30 ટકા જનસંખ્યા સંક્રમિતઃ પેનલ
પેનલના સભ્યો અને આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મણિંદ્ર અગ્રવાલે કહ્યું કે અમારા ગાણિતિક મોડલનું આકલન કહે છે કે અત્યાર સુધી દેશમાં અંદાજે 30 ટકા જનસંખ્યા સંક્રમિત થઈ ગઈ છે અને ફેબ્રુઆરી સુધીમાં આ આંકડો 50 ટકા સુધી પહોંચી જશે. પેનલે એ પણ કહ્યું કે, દુર્ગા પૂજા, દિવાળી, છઠ જેવા તહેવારોની સીઝનમાં કોરોનાને કેસ વધી શકે છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.