નવી દિલ્હી: કોંગ્રેસે શનિવારે જાહેરાત કરી કે કેન્દ્રની જન વિરોધી નીતિઓ વિરુદ્ધ જીલ્લા સ્તર અને રાજ્ય સ્તરે પાર્ટી આંદોલનનું સમાપન 30 નવેમ્બરના રોજ દિલ્હી રામલીલા મેદાનમાં એક વિશાળ જન રેલી સાથે કરવામાં આવશે. પાર્ટીએ 5થી 15 નવેમ્બર દરમ્યાન દેશના અલગ અલગ ભાગોમાં આંદોલન કરવાની યોજના બનાવી હતી. આ દરમ્યાન કોંગ્રેસ પાર્ટી કેન્દ્રની મોદી સરકારની અસફળતાઓને ઉજાગર કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યા.
કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગાપોલે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું કે ‘આજે અમે નિર્ણય લીધો છે કે, જીલ્લા અને રાજ્ય સ્તરે આંદોલનોને 25 નવેમ્બર પહેલા પૂર્ણ કરી દેવામાં આવે. તેમણે જણાવ્યું કે અમે દિલ્હી રામલીલા મેદાનમાં 30 નવેમ્બરે કેન્દ્ર સરકારની જન વિરોધી નીતિઓ વિરુદ્ધ એક વિશાળ રેલી કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસને આ વિશાળ રેલીને ભારત બચાવો રેલી નામ આપ્યું છે.
કોંગ્રેસે તેમના મહાસચિવો, વિભાગોના પ્રમુખો, રાજ્ય કોંગ્રેસના પ્રમુખો અને સીએલપી નેતાઓની સાથે એક બેઠક કરી હતી. જેનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકારની જન વિરોધી નીતિઓ જેમાં આર્થિક મંદી, ખેડૂતો પર સંકટ, બેરોજગારી અને અન્ય મુદ્દાઓ વિરુદ્ધ આંદોલન કાર્યક્રમ પર ચર્ચાનો હતો.