કોંગ્રેસે ત્રાસવાદ સાથે હિન્દુઓને સાંકળ્યા હતા, મારી સતામણી કરી હતીઃ સાધ્વી પ્રજ્ઞા

ભોપાલ – ભારતીય જનતા પાર્ટીએ ભોપાલમાંથી પોતાના લોકસભા ઉમેદવાર તરીકે ઘોષિત કરેલા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કોંગ્રેસ પર આરોપ મૂક્યો છે કે એ હિન્દુ-વિરોધી પક્ષ છે અને ત્રાસવાદ સાથે હિન્દુઓને સાંકળીને એણે મને એક મહિલાની સતામણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞા ઠાકુરને 2008ના માલેગાંવ શહેરના બોમ્બ બ્લાસ્ટના કેસમાં આરોપી બનાવવામાં આવ્યાં છે. એ ધડાકામાં સાત જણનાં મરણ નિપજ્યા હતા. પ્રજ્ઞા ઠાકુર 9 વર્ષ સુધી જેલમાં રહ્યાં હતાં અને હાલ જામીન પર છૂટ્યાં છે.

એ ગઈ કાલે જ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયાં હતાં અને ત્યારબાદ તરત જ ભાજપે જાહેરાત કરી હતી કે પ્રજ્ઞા ઠાકુર ભોપાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંહના હરીફ ઉમેદવાર છે.

આજે અહીં પત્રકાર પરિષદને સંબોધિત કરતાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટીએ હિન્દુઓને ત્રાસવાદ સાથે જોડ્યા છે, એમને ત્રાસવાદીઓ કહ્યા છે અને એક મહિલાની સતામણી કરી છે. મેં નામો આપ્યાં હતાં અને જે રીતે મારી પર જે રીતે અત્યાચાર કરવામાં આવ્યા છે એના પરથી હું કેવી રીતે માની લઉં કે ભવિષ્યમાં બીજી સ્ત્રીઓ સાથે એનું પુનરાવર્તન કરવામાં નહીં આવે?’ આમ કહેતાં પ્રજ્ઞા ઠાકુર રડી પડ્યાં હતાં.

તમારી સતામણી કરવામાં આવી હતી તો તમે એનો પુરાવો આપો એવું તમારાં હરીફનું કહેવું છે, એવા સવાલના જવાબમાં ઠાકુરે કહ્યું કે, ‘હું કોઈ પણ વાત પુરાવા વગર કહેતી નથી. કોંગ્રેસીઓનાં ષડયંત્રો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો હું જીવંત દાખલો છું. અને જો દિગ્વિજય સિંહ આ બધા માટે પુરાવો આપવાનું કહેતા હોય તો એમને પુરાવો આપવામાં આવશે. હું મારો કેસ જનતા સમક્ષ લઈ જઈશ અને મારી પર થયેલા અત્યાચારનો પુરાવો પણ આપીશ.’

ઠાકુર 23 એપ્રિલે ભોપાલમાં એમનું ઉમેદવારીપત્ર ભરવાનાં છે.

httpss://twitter.com/UniversePragati/status/1118870936638435328