RSSની વિચારધારાનો વિરોધ જરૂરી, લોકતંત્રની રક્ષા માટે ભૂમિકા ભજવવી જરુરીઃ તુષાર ગાંધી

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાને દેશના ભાગલા પાડનારી વિચારધારા કહી છે. પોરબંદરમાં ગાંધીજીનાં પત્ની કસ્તુરબાની 150મી જયંતિ માટેના કાર્યક્રમના ઉદઘાટન-પ્રસંગે તુષાર ગાંધીએ આ વાત કરી હતી.

એમણે કહ્યું હતું કે ગાંધીવાદીઓની નિષ્ઠા એવા ભારતના નિર્માણ માટે હોવી જોઈએ જે ગાંધીજીની પરિકલ્પના પ્રમાણેનું હોય. આર.એસ.એસ. તો ગાંધીજીના આદર્શો અને સિદ્ધાંતોને પડકાર આપે છે. હું આર.એસ.એસ.ને નફરત નથી કરતો, પણ આર.એસ.એસ.થી અને એવા વિચાર સામે મારો વિરોધ છે જે દેશના ભાગલા પાડતો હોય. ગાંધીવાદીઓએ લોકતંત્રની રક્ષા માટે એમની ભૂમિકા ભજવવી જોઈએ. ઈન્દિરા ગાંધીની તાનાશાહીને પણ આપણે ફગાવી દીધી હતી, પણ હવે એવા વિચારોની અને સાહસની ખોટ વર્તાઈ રહી છે.

તુષાર ગાંધીએ એવું પણ કહ્યું હતું કે કસ્તુરબા ગાંધીના યોગદાનને પણ આપણે ભૂલવું ન જોઈએ. કસ્તુરબા પણ દેશમાં મૃત્યુ પામ્યાં હતાં. 42ની ચળવળ પછી એમને જેલ થઈ અને એ પછી એમનું મૃત્યુ થયું છતાં એમને શહીદ નથી ગણવામાં આવતાં. દેશ માટે આપણે એમના યોગદાનને પણ યાદ રાખવું જોઈએ.