દિલ્હીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ઘમાસાણ શરુ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મળેલી કારમી હાર બાદ કોંગ્રેસમાં ફૂટ પડી છે. સતત બીજીવાર કોંગ્રેસ દિલ્હીમાં પોતાનું ખાતુ ખોલી શકી નથી ત્યારે હવે પાર્ટીમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરુ થયો છે. દિલ્હીના પ્રભારી પદ પરથી રાજીનામું આપનારા પીસી ચાકોએ પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતના નેતૃત્વ પર પ્રશ્નો ઉઠાવ્યા તો હવે જવાબ આપવા માટે મિલિંદ દેવડા અને પવન ખેડા મેદાને આવ્યા છે. બંન્ને નેતાઓએ શિલા દીક્ષિતનો બચાવ કર્યો અને તેમના વખાણ કર્યા છે.

પીસી ચાકો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો પર જવાબ આપતા પવન ખેડાએ આંકડાઓમાં શીલાના યોગદાનને ગણાવ્યું. પવન ખેડાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, વર્ષ 2013 માં જ્યારે કોંગ્રેસ પાર્ટી હારી તો 24.55 ટકા વોટ મળ્યા હતા. શીલાજી 2015 માં બિલકુલ એક્ટિવ નહોતા તો વોટ 9.7 પર આવી ગયા હતા. વર્ષ 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન પદ સંભાળ્યું તો 22.46 ટકા વોટ પર્સેન્ટ થઈ ગયા હતા.

કોંગ્રેસના નેતા મિલિંદ દેવડાએ પણ ટ્વીટર પર પીસી ચાકોને જવાબ આપ્યો અને શીલા દીક્ષિતનો બચાવ કર્યો હતો. કોંગ્રેસ નેતાએ લખ્યું કે, શીલા દીક્ષિત એક શાનદાર રાજનેતા હતા. તેમના કાર્યકાળમાં કોંગ્રેસ ખૂબ મજબૂત થઈ હતી અને દિલ્હીએ મોટો બદલાવ પણ જોયો હતો. આ પ્રકારે તેમના નિધન બાદ હારનો દોષ તેમના પર લગાવવો તે ખૂબ ખોટી વાત છે. તેમણે પોતાનું જીવન દિલ્હીની જનતા અને કોંગ્રેસને સમર્પિત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે પી.સી ચાકોએ કોંગ્રેસના પ્રભારી પદ પરથી રાજીનામું આપી દીધું છે.