ગુવાહાટી: કોંગ્રેસના સ્થાપના દિવસના અવસર પર શનિવારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ નાગરિકતા કાયદો અને એનઆરસીને લઈને મોદી સરકારને આડે હાથ લીધી. ગુવાહાટીમાં રાહુલે આરએસએસ પર પણ પ્રહારો કરતા કહ્યું કે, અસમને નાગપુર અને આરએસએસની ચડ્ડીવાળા લોકો નહીં ચલાવે આને અસમની જનતા ચલાવશે. રાહુલે સીએએ વિરોધી પ્રદર્શનોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દેશમાં ફરી એક વખત નોટબંધી જેવો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ લખનૌમાં પ્રિયંકા ગાંધીએ સીએએના મુદ્દા પર મોદી સરકારને કાયર ગણાવી છે.
ગુવાહાટીમાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘દેશમાં આવો માહોલ કેમ છે? હું જણાવું છું. કેમકે એમનું (બીજેપી સરકાર) લક્ષ્ય છે કે આસામની જનતાને પરસ્પર લડાવો, હિન્દુસ્તાનની જનતાને લડાવો, તેઓ જ્યાં પણ જાય છે ત્યાં માત્ર ઘૃણા જ ફેલાવે છે. પરંતુ આસામ ઘૃણાથી આગળ નહીં વધે, ગુસ્સાથી આગળ નહીં વધે, તે પ્રેમથી આગળ વધશે.
કેન્દ્ર સરકાર પર હુમલો બોલતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘પીએમ મોદીએ નોટબંધી, જીએસટીને લાવીને અર્થવ્યવસ્થાનો નષ્ટ કરી દીધી. ભારત માતાને ઘાયલ કરી. તેમનું કામ માત્ર ઘૃણા ફેલાવવાનું છે. નરેન્દ્ર મોદી જણાવે કે, કેટલા લોકોને રોજગારી આપી. આપણા યુવાઓ ભટકી રહ્યા છે. હવે આસામમાં યુવા પ્રદર્શન કરી રહ્યા છે. આખા દેશમાં આ જ માહોલ છે. યુવાનોને ગોળી મારવામાં આવી રહી છે. જનતાની અવાજને બીજેપી સાંભળવા નથી માંગતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીએ નોટબંધીને કાળા નાણા વિરુદ્ધ લડાઇ બતાવી. લોકોને લાઇનમાં ઉભા કરી દીધા અને 3 લાખ 50 હજાર કરોડ રૂપિયા 15-20 મુડીપતિઓના હવાલે કરી દીધા. તેમના કરોડો રૂપિયા માફ કરી દીધા, ખેડૂતોનું કેટલું દેવુ માફ કર્યું જણાવો.
લખનૌમાં કોંગ્રેસ પાર્ટીના 135માં સ્થાપના દિવસ પર પ્રિયંકા ગાંધીએ બીજેપી પર નિશાન સાધ્યું. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોદી સરકાર કાયર છે અને આ દેશ તેમની કાયરતાને ઓળખી રહ્યો છે. એનઆરસી અને સીએએના મુદ્દા પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જ્યારે જનતાએ અવાજ ઉઠાવી તો આ લોકો પાછળ હટવા લાગ્યા. આ કાયરતાની નિશાની છે.