કોચી – કેરળમાં ભારે વરસાદને કારણે ભયાનક પૂરની આફત ત્રાટકવાને કારણે છેલ્લા અનેક દિવસોથી બંધ રાખવામાં આવેલું કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ આજથી ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ધ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આજે બપોરે બે વાગ્યે પહેલી ફ્લાઈટે અહીં લેન્ડિંગ કર્યું હતું. CIALના સત્તાવાળાઓનું કહેવું છે કે એકાદ-બે દિવસમાં જ એરપોર્ટ અગાઉની જેમ રાબેતા મુજબ કામગીરી કરતું થઈ જશે.
એરપોર્ટ પર વિમાની સેવા ફરી શરૂ કરવા માટે 1000 જેટલા લોકો કામકાજમાં જોડાયા હતા. સૌ સાફસફાઈ તથા સિસ્ટમ્સ રીપેરિંગના કામકાજમાં વ્યસ્ત હતા. પૂરનું પાણી એરપોર્ટ કોમ્પલેક્સમાં ઘૂસી ગયા બાદ બધી સિસ્ટમ બંધ થઈ ગઈ હતી.
CIALના જણાવ્યા મુજબ, પૂરને કારણે એરપોર્ટને રૂ. 300 કરોડની આર્થિક ખોટ ગઈ છે.
આ એરપોર્ટ પર પૂરનાં પાણી ફરી વળ્યાં બાદ એને ગઈ 14 ઓગસ્ટથી બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે આજે બપોરે 2 વાગ્યાથી આ એરપોર્ટ પર વિમાની કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે.
કેરળ રાજ્યમાં આ વખતે આવેલું પૂર આ સદીનું સૌથી વિનાસકારી હતું જેણે 300થી વધુ લોકોનાં જાન લીધાં છે અને લગભગ રૂ. 19,512 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.
httpss://twitter.com/IndiGo6E/status/1034528128889061377