નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ હોમ આઇસોલેટ થયા છે, એમ દિલ્હી સરકારનાં સૂત્રોએ કહ્યું હતું. કેજરીવાલે ગઈ કાલે તાવ અને ગળામાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી હતી, જેને લીધે આવતી કાલે તેમનો કોરોના વાઇરસ ટેસ્ટ કરવામાં આવશે. કેજરીવાલે તાવની ફરિયાદ કર્યા બાદ ગઈ કાલે બપોરે જ એમની બધી બેઠકો રદ કરી દેવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના એક પ્રવક્તાએ કહ્યું છે કે કેજરીવાલે ડોક્ટરને આ વિશે જાણ કરી છે અને આવતી કાલે તેઓ કોરોના વાઇરસની તપાસ કરાવશે.
કેજરીવાલે રવિવારે પત્રકાર પરિષદ સંબોધી હતી
મુખ્ય પ્રધાન કેજરીવાલે રવિવારે પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. એમાં તેમણે દિલ્હીની સીમાઓ ખોલવા, હોસ્પિટલોમાં સારવાર સહિત કેટલીક અગત્યની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સોમવારથી યુપી, હરિયાણાથી જોડાયેલી સીમાઓને ખોલવામાં આવશે. આ સિવાય દિલ્હીના લોકો જ માત્ર દિલ્હીની હોસ્પિટલોમાં સારવાર કરાવી શકશે. દેશના અન્ય હિસ્સાઓમાંથી આવતા દિલ્હીમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં સારવાર કરવાની શકશે.
કેજરીવાલ ડાયાબિટીસના દર્દી
મુખ્ય પ્રધાન કેજરીવાલની સાથે ઘરમાં તેમનાં પત્ની સુનીતા અને બે સંતાન રહે છે. તેમને ભૂતકાળમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ હતી. તેમને હાઈ ડાયાબિટીસ છે. તેઓ આ પહેલાં સારવાર માટે બેંગલુરુ ગયા હતા. તેમને આ તકલીફ માત્ર શિયાળામાં જ થાય છે.
દિલ્હીમાં સારવાર માટે કયા દસ્તાવેજ જરૂરી?
દિલ્હી સરકારે કેટલાક દસ્તાવેજોની યાદી તૈયાર કરી છે, જેને આધારે તમને દિલ્હીવાળા માનીને સારવાર કરાવી શકાશે. એમાં આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાતા ઓળખ પત્ર, રેશન કાર્ડ, બેન્ક પાસબુક સહિત બધા દસ્તાવેજ સામેલ છે. જે એડ્રેસ પ્રૂફ કે મતદાન સમયે માન્ય હોય છે. આમાં વીજળી અને પાણીનાં બિલ પણ સામેલ છે. બધા દસ્તાવેજ દિલ્હીના હોવા જોઈએ.