નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસમાં ED દ્વારા વારંવાર સમન્સ મોકલવાને લઈને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઇકોર્ટમાં કેજરીવાલની અરજી પર સુનાવણી થઈ હતી. કેજરીવાલ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવીએ ધરપકડમાંથી રાહત માગી છે. એના પર EDએ કહ્યું હતું કે કેજરીવાલ તપાસ એજન્સીની સામે હાજર થવાથી બચી રહ્યા છે અને બહાનાં બનાવી રહ્યા છે. જેથી હાઇકોર્ટમાંથી કેજરીવાલને રાહત નથી મળી.
કોર્ટે સવાલ કર્યો હતો કે તેઓ એજન્સી સામે હાજર કેમ નથી થઈ રહ્યા? એના જવાબમાં સિંધવીએ કહ્યું હતું કે તેમને એજન્સી સામે હાજર થવામાં કોઈ મુશ્કેલી નથી, પણ તેમની ધરપકડ થવાની શક્યતા છે.
સિંધવીએ કેજરીવાલનો પક્ષ રાખતાં કોર્ટને જણાવ્યું હતું કે તેમને 10 સમન્સ જારી કરવામાં આવ્યા છે. તેમણે એનો જવાબ પણ આપ્યો અને પૂછપરછ માટે વર્ચ્યુઅલી હાજર થવા તૈયાર છે, પણ તેમને ધરપકડ સામે પ્રોટેક્શન જોઈએ છે. સિંધવીએ કહ્યું હતું કે EDના બધા સમન્સ કાયદાકીય પ્રક્રિયા અને જોગવાઈ અનુસાર નથી.
સિંધવીએ સૌથી પહેલાં કેજરીવાલની ધરપકડમાંથી રાહત આપવા માટે વિનંતી કરી હતી. સિંધવીએ કહ્યું હતું કે રાજકીય પક્ષ PMLA એક્ટમાં વ્યાખ્યાયિત નથી કરવામાં આવ્યા.
આ સુનાવણી દરમ્યાન EDએ કહ્યું હતું કે દિલ્હીના CM તરફથી જે અરજી દાખલ કરવામાં આવી છે, એની સુનાવણી યોગ્ય નથી. કેજરીવાલ ખુદને ખાસ વ્યક્તિ માને છે. તેઓ પોતાના માટે વિશેષ અધિકાર માગી રહ્યા છે. હાઈકોર્ટમાં EDએ કહ્યું હતું કે અમે એના પર જવાબ દાખલ કરીશું.