CJI વિરુદ્ધ કરેલાં કાવતરામાં મને દોઢ કરોડની ઓફર થઈ હતીઃ SCના વકીલનો દાવો

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર પૂર્વ મહિલા કર્મચારી દ્વારા યૌન શોષણના આરોપ મામલે હવે નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટના જ એક વકીલે દાવો કર્યો છે કે, સીજેઆઈ રંજન ગોગોઈને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું જેથી તે તેમના પદ પરથી રાજીનામું આપી દે. વકીલ ઉત્સવે એવો પણ દાવો કર્યો છે કે, આ મામલે મારો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, અને કહેવામાં આવ્યું હતું કે, તે પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયામાં આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરે. આમ કરવા માટે એક યુવકે મને 1.5 કરોડ રૂપિયા આપવાની પણ ઓફર કરી હતી. સાથે જ વકીલ ઉત્સવનો દાવો છે કે, તેમણે આમ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને આ સમગ્ર ઘટનાની જાણકારી આપવા માટે તેઓ સીજેઆઈના ઘેર પણ ગયાં હતાં. પરંતુ તેઓ ઉપલબ્ધ ન હતાં.

ફેસબુક પર લખેલી એક પોસ્ટમાં ઉત્સવે દાવો કર્યો છે કે, આસારામ કેસમાં પીડિતા માટે કરેલા મે કામના એ યુવકે વખાણ પણ કર્યાં હતાં. જ્યારે મે તેમની ઓફર ફગાવી તો તેમને દાવો કર્યો કે, તે તેમનો સંબંધી છે, પરંતુ તે એક ટ્રેડ એજન્ટ લાગી રહ્યો હતો. જ્યારે તેમને સુપ્રીમ કોર્ટના પૂર્વ મહિલા કર્મચારી સાથેના સંબંઘ અંગે પુછયું તો, તે યોગ્ય રીતે જવાબ નહતો આપી શકયો. અને ત્યાર બાદ અચાનક તેમણે મને ઓફર કરી હતી કે જો તમે આ મામલે કેસ લડો તો ફીના રૂપે 50 લાખ રૂપિયા મળશે. તેમણે ફરી વખત મને પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયામાં પ્રેસ કોન્ફરન્સ કરવા કહ્યું. પરંતુ તેમની વાત મને સાચી ન લાગી અને મે તેમને ના પાડી દીધી. જ્યારે મે બીજી વખતે તેમને ના પાડી તો તેમણે મને 1.5 કરોડ રૂપિયાની ઓફર કરી. ત્યારબાદ મે તેમને મારી ઓફિસેથી જતા રહેવા કહ્યું.

વકીલ ઉત્સવે સાથે જ કહ્યું કે, જ્યારે મે દિલ્હીમાં આધારભૂત સુત્રો પાસે આ મામલે તપાસ કરી ત્યારે મને જાણકારી મળી કે, સીજેઆઈના રાજીનામાંને લઈને તેમની વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે. આ મામલાની જાણ કરવા હું સીજેઆઈના નિવાસ સ્થાને પણ ગયો હતો, પરંતુ ત્યાં સ્ટાફે જણાવ્યું કે તે ઘર પર નથી.

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ સામે એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો, ત્યાર બાદ શનિવારે સુપ્રીમ કોર્ટે વિશેષ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ તેમના ઉપર લાગેલા યોન શોષણના આરોપને ફગાવી દીધો હતો. સીજેઆઈ રંજન ગોગોઈએ ક્હ્યું કે, મને નથી લાગતું કે, આ આરોપોનું ખંડન કરવા માટે મારે એટલું નીચે ઉતરવું જોઈએ. સીજેઆઈએ કહ્યું કે, ન્યાયપાલિકા ખતરામાં છે. આગામી સપ્તાહે ઘણા મહત્વપૂર્ણ મામલે સુનાવણી હાથ ધરાશે, એટલા માટે જાણી જોઈને એવા આરોપ લગાવવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, સીજેઆઈ પર આરોપ લગાવનાર મહિલા સુપ્રીમ કોર્ટની પૂર્વ કર્મચારી છે. સુપ્રીમ કોર્ટના 22 ન્યાયાધીશોના નિવાસ સ્થાન પર મહિલાના શપથપત્રોની નકલો મોકલવામાં આવી હતી જે શનિવારના રોજ મીડિયામાં જાહેર થઈ ગઈ.