નવી દિલ્હી- ગત વર્ષ ભારતના પૂર્વોત્તર રાજ્ય સિક્કીમ અને પાડોશી દેશ ભૂટાન સરહદે આવેલા ડોકલામ પ્રદેશ મુદ્દે ભારત અને ચીનના સૈનિકો આશરે 70થી વધુ દિવસ આમનેસામને રહ્યાં બાદ અંતે આ મુદ્દે ભારત અને ચીન વચ્ચે સમાધાન તો થયું પરંતુ બન્ને દેશો વચ્ચે ગતિરોધ ઘટવાને બદલે સતત વધી રહ્યો છે.
એક અંગ્રેજી અખબારના રિપોર્ટમાં જણાવ્યા મુજબ વર્ષ 2017માં ચીનની સેનાએ લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર 415 વખત ઘુસણખોરી કરી હતી. જ્યારે વર્ષ 2016માં આ આંકડો ઘણો ઓછો એટલે કે, 217 રહ્યો હતો. વર્ષ 2017માં બન્ને દેશની સેનાઓ વચ્ચે 216 વખત ઘર્ષણની ઘટના નોંધાઈ હતી, જ્યારે વર્ષ 2016માં 146 વખત ભારત અને ચીનના સૈનિકો આમનેસામને આવ્યાં હતા.
સરહદ પર કુલ 23 ક્ષેત્ર સંવેદનશીલ
ભારતીય સેના દ્વારા જે માહિતી મળી રહી છે તે મુજબ LAC પર કુલ 23 એવા પોઈન્ટની ઓળખ કરવામાં આવી છે જ્યાં બન્ને દેશોની સેના વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. આ વિસ્તારોમાં લદ્દાખના ડેમચોક, ચુમાર, પેંગોંગ, સ્પાંગુર ગેપ, હિમાચલપ્રદેશમાં કૌરિક, ઉત્તરાખંડમાં બારાહોતી, અરુણાચલ પ્રદેશમાં નમખા ચૂ, સુમદોરોંગ ચૂ, અસફિલા અને દિબાંગ ઘાટીનો સમાવેશ થાય છે.
વર્ષ 2016માં નિવૃત્ત થયેલા ચીનમાં ભારતના રાજદૂત અશોક કાંથા જે ગત 3 દશકથી ભારત-ચીન સીમા વિવાદની ચર્ચામાં હાજર રહ્યાં હતાં તેમણે એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ઘુસણખોરીની વધી રહેલી ઘટનાઓ કરતાં ચીની સૈનિકોની ભારતમાં ઘુસણખોરીની પેટર્ન સમજવાની વધારે જરુર છે. ભારતે સમજવું પડશે કે, આવી ઘટનાઓ વિવાદીત ક્ષેત્રમાં જ થાય છે કે, તેમાં નવા ક્ષેત્ર ઉમેરાઈ રહ્યાં છે. ત્યારે જ આપણે તેમાં નિયંત્રણ લાવવામાં સફળ થઈશું.
ભારતીય સૈન્ય ઓપરેશનના પૂર્વ મહાનિર્દેશક લેફ્ટનેન્ટ જનરલ વિનોદ ભાટીયાએ જણાવ્યું કે, ‘જો આ આંકડાઓ સાચા છે તો, એનો અર્થ એ થયો કે, LAC પર ચીને તેની સેનાની હાજરી અને પેટ્રોલીંગમાં વધારો કર્યો છે. જો ઘુસણખોરીની સંખ્યા આ જ રીતે વધતી રહેશે તો આ વિસ્તારમાં શાંતિ જોખમાઈ શકે છે.