ચીને ભારતને 1.7 લાખ PPE કિટ મોકલી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં પણ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ રોગના દર્દીઓની સેવામાં લાગેલા આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. કોરોના વાઇરસના હેલ્થકેર કર્મચારીઓના ઉપયોગમાં આવતી સ્વ સુરક્ષા ઉપકરણો (PPE)ની 1.7 લાખ કિટ ચીનથી ભારતને મળી ગઈ છે. ચીને ભારતને કોરોના સંકટ સામે સહાયતાના રૂપમાં આ કિટ આપી છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં PPEની હાલ સંખ્યા 3,87,473 થઈ

દેશમાં ઉત્પાદિત 20,000 PPEની સાથે હવે હોસ્પિટલોમાં 1.90 લાખ PPEનો પુરવઠો પહોંચાડાશે. દેશમાં PPEની હાલની ઉપલબ્ધતા 3,87,473 થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી 2.94 લાખ PPEની હોસ્પિટલોને આપવામાં આવી છે. આ સિવાય દેશમાં બનેલા બે લાખ N95 માસ્કને પણ હોસ્પિટલોને પહોંચાડવામાં આવી છે. આ ઉફરાંત અન્ય સ્રોતોથી મળેલા આ શ્રેણીના 20 લાખ માસ્ક પણ હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા છે.

દેશમાં કોરોના વાઇરસના અત્યાર સુધીના કેસ

દેશમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 4,281 થઈ ગઈ છે. આ વાઇરસને કારણે 111 લોકોનાં મોત થયાં છે. આ સિવાય સારવાર પછી 319 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. સૌથી વધુ કેસ 748 કેસો મહારાષ્ટ્રમાં છે.

વિશ્વભરમાં કોરોનાના 70,000થી વધુનાં મોત

વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી 70,000થી વધુ લોકોનાં મોત થયાં છે. વિશ્ભરમાં અત્યાર સુધી 12,85,261 કેસ સામે આવ્યા છે. જોકે સારવાર પછી 2,71,847 લોકો રિકવર થયા છે. કોવિડ-19થી સૌથી વધુ 15,877 લોકોનાં મોત ઇટાલીમાં થયાં છે, જ્યારે સ્પેનમાં 13,055, અમેરિકામાં 9,648 અને ફ્રાંસમાં 8,078 લોકોનાં મોત કોરોના સંક્રમણને કારણે થયાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]