નવી દિલ્હી- ચીન અને પાકિસ્તાન કરતાં ભારત પાસે અણુશસ્ત્રો ઓછા છે તેમ છતાં વૈશ્વિક રીતે બન્ને દેશ પર ભારતની ધાક રહેલી છે. કારણકે, ભારત એક જવાબદાર પરમાણુ શક્તિ છે. એક અહેવાલમાં આ વાત સામે આવી છે.સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ચીન અને પાકિસ્તાન પાસે ભારતની સરખામણીમાં પરમાણુ હથિયાર સંખ્યાબળમાં ભલે વધુ દર્શાવામાં આવ્યા હોય પરંતુ ભારત પાસે રહેલા પરમાણુ હથિયાર ખૂબ જ સક્ષમ અને કોઈને પણ જવાબ આપવા માટે પૂરતા છે.
આ રિપોર્ટ અંગે ભારતીય રક્ષા સૂત્રોએ જણાવ્યું કે, સંખ્યાથી વધુ મારક ક્ષમતા જરુરી છે અને ભારત આ બાબતમાં આગળ છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ચીન પાસે ભારતથી ડબલ પરમાણુ હથિયાર છે જ્યારે પાકિસ્તાન પણ પરમાણુ હથિયારની બાબતમાં ભારત કરતાં થોડું આગળ છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ચીન પાસે અંદાજે 280 ન્યુક્લિઅર વોરહેડ છે. અને પાકિસ્તાન પાસે લગભગ 150 જેટલા પરમાણુ હથિયાર છે, જ્યારે ભારત પાસે આશરે 140 પરમાણુ હથિયાર છે.
સંખ્યાબળમાં ઓછા હોવા છતાં ભારતના પરમાણુ હથિયાર કોઈને પણ જવાબ આપવા સંપૂર્ણ સક્ષમ છે. ભારતીય રક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ ભારત આંકડાઓને લઈને ખાસ ચિંતિત નથી કારણકે ભારત પાસે તાકતવર પરમાણુ હથિયાર છે અને ભારત હથિયારોના આધુનિકીકરણ ઉપર પણ કામ કરી રહ્યું છે.