નવી દિલ્હી – આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર કેસમાં આરોપી જાહેર કરાયેલા અને સીબીઆઈ તથા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એજન્સીઓ જેમને 27 કલાકથી શોધી રહી હતી એ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં અને ગૃહ પ્રધાન તથા કોંગ્રેસના સિનિયર નેતા પી. ચિદમ્બરમની સીબીઆઈ અધિકારીઓએ બુધવારે રાતે 9.45 વાગ્યે એમના ઘરમાં ઘૂસીને ધરપકડ કરી હતી. સીબીઆઈ અધિકારીઓ બાદમાં એમની કારમાં ચિદમ્બરમને બેસાડીને સીબીઆઈ મુખ્યાલયમાં લઈ ગયા હતા.
ચિદમ્બરમ એ પહેલાં લગભગ 8 વાગ્યે અચાનક અહીં કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય ખાતે હાજર થયા હતા. ત્યાં એમણે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે પોતે નિર્દોષ છે. ત્યાંથી ચિદમ્બરમ જોરબાગ વિસ્તારસ્થિત એમના ઘેર પહોંચ્યા હતા. સીબીઆઈ, ED, તપાસ એજન્સીઓનાં 30 જેટલા અધિકારીઓ પણ 9 વાગ્યે ઘેર પહોંચ્યા હતા. ત્યાં દરવાજો ન ખોલાતાં અધિકારીઓ દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા. ત્યાં કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર હતા અને સીબીઆઈ અધિકારીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ થઈ હતી.
ચિદમ્બરમના નિવાસસ્થાને હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આખરે લગભગ એક કલાકના નાટક બાદ સીબીઆઈના અધિકારીઓ ચિદમ્બરમને કારમાં બેસાડીને નિવાસસ્થાનની બહાર આવ્યા હતા. એ પહેલાં સીબીઆઈએ દિલ્હી પોલીસને જાણ કરી હતી જેણે એના 30 જેટલા જવાનોને ત્યાં મોકલ્યા હતા જેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને ધક્કા મારીને ચિદમ્બરમના નિવાસસ્થાનેથી હટાવ્યા હતા. ત્યારબાદ સીબીઆઈની કાર ત્યાંથી રવાના થઈ હતી.
અગાઉ, કોંગ્રેસ મુખ્યાલયમાં ચિદમ્બરમે પત્રકારોને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે આ કેસમાં એમને તથા એમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ, જે હવે સંસદસભ્ય છે, એમને ફસાવવામાં આવ્યા છે. મેં કે મારા પુત્રએ કોઈ ગુનો નથી કર્યો.
પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી પણ ઉપસ્થિત હતા.
આઈએનએક્સ મિડિયા કેસમાં ચિદમ્બરમનો કેસ સિબ્બલ લડી રહ્યા છે.
ચિદમ્બરમને પકડવા માટે કેન્દ્ર સરકારની બે તપાસ એજન્સીઓ – સીબીઆઈ તથા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા લુકઆઉટ નોટિસ ઈસ્યૂ કરવામાં આવી ચૂકી છે.
ચિદમ્બરમે એવો દાવો કર્યો હતો કે કોઈ પણ કેસની એફઆઈઆર મારું નામ નથી.
પોતે આટલા બધા કલાકોથી ગાયબ રહ્યા એ વિશે ચિદમ્બરમે કહ્યું કે હું ગઈ રાતથી મારા દસ્તાવેજ તૈયાર કરી રહ્યો હતો. હું કે મારો પરિવાર કોઈ કેસમાં આરોપી નથી.
ચિદમ્બરમે કહ્યું કે, હું કાયદાથી ભાગી નથી રહ્યો, પણ કાયદાની શરણમાં ગયો છું.
આઈએનએક્સ મિડિયા લાંચ કેસમાં દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નકારી કાઢ્યા બાદ ચિદમ્બરમ પર ધરપકડની તલવાર લટકી રહી છે.
ધરપકડથી બચવા માટે એ સુપ્રીમ કોર્ટમાં ગયા છે જ્યાં એમની અરજી પર આવતા શુક્રવારે સુનાવણી થવાની છે.
ચિદમ્બરમે કહ્યું કે હું ભાગ્યો નથી, પણ મારા હિતનું રક્ષણ કરવા માટે કાયદાની શરણમાં ગયો છું. મારી વિરુદ્ધ કોઈ અરેસ્ટ વોરંટ નથી બહાર પડાયું, મારી સામે એફઆઈઆર કે ચાર્જશીટ નોંધવામાં આવી નથી. મારી વિરુદ્ધ જુઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.
ચિદમ્બરમને પકડવા માટે સીબીઆઈના અધિકારીઓની એક ટીમ કોંગ્રેસના મુખ્યાલય ખાતે પહોંચી હતી, પણ ચિદમ્બરમ ત્યાંથી રવાના થઈને એમના નિવાસસ્થાને જતા રહ્યા હતા.
ચિદમ્બરમે જામીન માટે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આવતા શુક્રવારે (23 ઓગસ્ટે) સુનાવણી કરશે. ચિદમ્બરમના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં આજે સ્પેશિયલ લીવ પીટિશન ફાઈલ કરી હતી.
ચિદમ્બરમે આગોતરા જામીન મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં કરેલી અરજીને હાઈકોર્ટે ગઈ કાલે ફગાવી દીધા બાદ ચિદમ્બરમ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. એમણે વચગાળાની રાહત આપવા માટે ગઈ કાલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી, પણ એમને તે રાહત આપવામાં આવી નહોતી. પરિણામે તે સીબીઆઈ દ્વારા ધરપકડથી બચવા માટે ગઈ કાલથી ગાયબ થઈ ગયા છે.
ચિદમ્બરમ પર આરોપ છે કે 2007માં તેઓ નાણાં પ્રધાન હતા ત્યારે એમણે INX મિડિયા કંપનીને વિદેશમાંથી મૂડીરોકાણ મેળવવા માટે રૂ. 305 કરોડનું વિદેશી ભંડોળ રિલીઝ કરાવી આપ્યું હતું.
આ કેસ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)માં લાગવગ દ્વારા વિદેશી ભંડોળની મંજૂરીઓ મેળવવાને લગતો છે. એ વખતના કેન્દ્રીય નાણાં પ્રધાન તરીકે ચિદમ્બરમ પોતે જ FIPBના વડા હતા અને એમણે જ INXને મંજૂરી આપી દઈને એમના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો.
એવો આરોપ છે કે ચિદમ્બરમે 305 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ ભંડોળ ક્લીયર કરાવવા માટે પાંચ કરોડ રૂપિયાની લાંચ લીધી હતી અને એ રકમ એમણે એમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સાથે સંકળાયેલી કંપનીઓ મારફત લીધી હતી. કાર્તિ ચિદમ્બરમ હાલ સંસદસભ્ય છે.
ચિદમ્બરમ ગઈ કાલે 6.45 વાગ્યાથી ગાયબ થઈ ગયા છે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એજન્સીઓ એમને શોધી રહી છે. ઈડી એજન્સીએ ચિદમ્બરમ વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ ઈસ્યૂ કરી દીધી છે.
સીબીઆઈ એજન્સીએ FIPBની ગેરરીતિ મામલે ચિદમ્બરમ સામે 2017ની 15 મેએ કેસ નોંધ્યો હતો. એમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. INX મિડિયા કંપનીના પ્રમોટરો પીટર મુખરજી અને ઈંદ્રાણી મુખરજીએ 305 કરોડનું વિદેશી ઈન્વેસ્ટમેન્ટ મેળવવા માટે એ વખતના નાણાં પ્રધાન ચિદમ્બરમને વિનંતી કરી હતી. ચિદમ્બરમે એ માટે લાંચ માગી હતી જે આપવામાં આવી હતી. 2017માં તપાસ શરૂ થઈ ત્યારે ઈંદ્રાણી તાજનાં સાક્ષી બન્યાં અને લાંચની લેતી-દેતીની જાણકારી આપી હતી.