નવી દિલ્હીઃ છત્તિસગઢના સુકમામાં જવાનોનું સેટેલાઈટ ટ્રેકર નેટવર્ક તૂટવાના કારણે મોટી હાની થઈ હતી. જિલ્લામાં ગત શનિવારના રોજ નક્સલી સાથે થયેલા એન્કાઉન્ટરમાં 17 જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારે હવે ફોર્સે પોતાની રણનીતિ બદલી નાંખી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હવે જ્યારે પણ જવાનો જંગલમાં ઓપરેશન માટે જશે ત્યારે તેમનું કંટ્રોલ રુમથી મોનિટરિંગ કરવામાં આવશે. તો આ દરમિયાન ફોર્સને નિર્દેશિત કરવામાં આવી છે કે કોઈપણ સ્થિતિમાં સેટેલાઈટ ટ્રેકર બંધ થયા બાદ ઓપરેશન આગળ ન ચલાવે.
એન્ટી નક્સલ ઓપરેશનના અધિકારીઓએ જણાવ્યું કે જંગલની અંદર જવાનોનું ઓપરેશન ચાલી રહ્યું છે. ફોર્સ નક્સલીઓના પ્રભાવ વાળા વિસ્તારમાં ખૂબ અંદર સુધી ઘુસી ગઈ છે. ત્યારે આવામાં ફોર્સને પાછી બોલાવવાનો કોઈ સવાલ ઉભો થતો જ નથી. તો સુકમા, અને બીજાપુરમાં એન્ટી નક્સલ ઓપરેશનના મોનિટરિંગ માટે આઈપીએસ જીતેન્દ્ર શુક્લા અને કે.એલ ધ્રુવને તૈનાત કરવામાં આવ્યા છે.
બન્ને અધિકારીઓએ એસપી ઓફિસમાં કંટ્રોલ રુમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયાથી જવાનોની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. શુક્લા અને ધ્રુવ પહેલા પણ અહીંયા અધિકારી પદ પર રહી ચૂક્યા છે. ત્યારે આવામાં તેમને જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અને મૂવમેન્ટ વિશે વિશેષ જાણકારીઓ છે. વિશેષ સુરક્ષા સલાહકાર કે.વિજય કુમારની બેઠકમાં પણ આ જ રણનીતિ પર કામ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.