ભારતમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ ઝડપી વધી રહ્યો છે. મેન પાવર સાથે ટેક્નોલોજીના ઉપયોગથી ઓછા સમયમાં સારું પ્રોડ્કશન લઈ શકાય છે. AI મુખ્ય ChatGPT, DeepSeek, Google Gemini જેવા પ્લેટફોર્મ કન્ટેન્ટ રાઈટીંગ, ડેટા એનાલિસિસ, કોડિંગ અને ટ્રાન્સલેશનમાં મદદરૂપ સાબિત થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓ આ પ્લેટફોર્મનો વ્યાપકપણે ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ, સરકાર માને છે કે તેમનો અનિયંત્રિત ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો બની શકે છે. ડેટા પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને, AI પ્લેટફોર્મના ઉપયોગને લઈને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
કેન્દ્રીય સરકાર દ્વારા તમામ સરકારી કર્મચારીઓ માટે AI પ્લેટફોર્મ જેવા કે, ChatGPT, DeepSeek પર પ્રતિબંધ મૂક્યો છે. 5મી ફેબ્રુઆરીના જાહેર કરેલા આદેશમાં નાણામંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓએ ChatGPT, DeepSeek અને અન્ય AI પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવો જોઈએ. આ AI પ્લેટફોર્મ દ્વારા સંવેદનશીલ માહિતી લીક થવાનું જોખમ વધી શકે છે.’ કેન્દ્ર સરકારના સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી કમ્પ્યુટર અને લેપટોપ આ AI પ્લેટફોર્મનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા અને ગોપનીયતાને નુકસાન પહોંચાડી શકે છે. આથી કર્મચારીઓને AI પ્લેટફોર્મથી દૂર રહેવાની કડક ચેતવણી આપવામાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા તમામ મંત્રાલયો અને વિભાગોને તેમના કર્મચારીઓને ChatGPT અને અન્ય AI પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવાની સૂચનાઓ આપી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કચેરીઓમાં AI પ્લેટફોર્મની અવગણના કરવી જરૂરી છે. જો કે, જો કર્મચારીઓ ઈચ્છે તો તેનો ઉપયોગ તેમના અંગત ડિવાઈસ પર કરી શકે છે. સરકારે ટૂંક સમયમાં સરકારી કામમાં AI પ્લેટફોર્મના ઉપયોગને લગતી એક વ્યાપક નીતિ લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ નીતિમાં ડેટા સંરક્ષણ ધોરણો સ્પષ્ટપણે જણાવવામાં આવશે.