ચંદ્રયાન-2 અને વૈજ્ઞાનિકોની અગ્નિ પરીક્ષા સફળ, ચંદ્રની કક્ષામાં પ્રવેશ…

નવી દિલ્હી- ઈસરો દ્વારા 22 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવેલા મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 મંગળવારે એટલે કે આજે ચંદ્રમાંની કક્ષામાં પ્રવેશ કર્યો છે.. સવારે 8:30થી 9:30ની વચ્ચે ચંદ્રયાન-2ને અગ્નિ પરીક્ષામાંથી પસાર થયાં હતાં. જેના માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ સંપૂર્ણ તેયારી કરી હતી.હવે. આગામી 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરશે. આ પહેલાં 14 ઓગસ્ટના રોજ ચંદ્રયાન-2ને ટ્રાન્સ લૂનર ઓર્બિટમાં પ્રવેશ કરાવવામાં આવ્યું હતું. હવે યાનના તરલ ઈંધણવાળા એન્જીનને શરૂ કરવામાં આવ્યું છે જેથી ચંદ્રની કક્ષાની અંદર પ્રવેશ અપાવી શકાય.

ચંદ્રયાન-2 મિશનની દેખરેખ અને તેમના માર્ગ પર ચાંપતી નજર ઈસરોના ત્રણ સેન્ટર્સ રાખી રહ્યાં છે. જેમાં ઈસરોના ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC), મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્ષ (MOX), અને બેંગ્લુરુમાં સ્થિત ઈન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) નો સમાવેશ થાય છે. ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરી ગયા બાદ 2 સપ્ટેમ્બરે તે પોતાની સાથે લઈ જવામાં આવેલા લેન્ડર વિક્રમને છોડશે. જે બાદ વિક્રમ લેન્ડર ચંદ્રના બે ચક્કર કાપ્યા બાદ 7 સપ્ટેમ્બરે ચંદ્રની દક્ષિણીય સપાટી પર પહોંચશે.

ધીમી પાડવામાં આવી ચંદ્રયાનની ગતિ: ઈસરો ચેરમેન

ઈસરોના ચેરમેન ડો. કે. સિવને કહ્યું કે, ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પ્રવેશતા સમયે અગ્નિપરીક્ષાની ઘડી હતી. ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિ 65000 કિમી સુધી રહે છે. આ સ્થિતિમાં ચંદ્રયાન-2ની ગતિને ધીમી પાડવી પડે નહીંતર ચંદ્રની ગુરુત્વાકર્ષણ  શક્તિના પ્રભાવમાં આવીને ચંદ્રયાન અથડાઈ પણ થઈ શકે છે. ગતિ ધીમી પાડવા માટે ચંદ્રયાન-2ના ઓનબોર્ડ પ્રોપલ્શન સિસ્ટમને થોડા સમય માટે ચાલુ કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન એક નાનકડી ભૂલ પણ યાનને અનિયંત્રિત કરી શકત. આ માત્ર ચંદ્રયાન-2 માટે જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો માટે પણ અગ્નિ પરીક્ષાનો સમય હતો. હવે તેની ગતિ પ્રતિ સેકંડ 19.98 કિલોમીટરછી ઘટાડીને 1.98 પ્રતિકિલોમીટર કરી દેવામાં સફળતા મળી છે.

ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ 31 ઓગસ્ટ સુધીમાં ચંદ્રમાની ચોતરફ ચક્કર લગાવતું રહેશે. આ દરમિયાન કક્ષામાં ફરી એક વખત પરિવર્તન કરવામાં આવશે. ચંદ્રયાન-2ને ચંદ્રની સૌથી નજીકની કક્ષા સુધી પહોંચાડવા માટે ચાર વખત કક્ષા બદલવામાં આવશે.

ચંદ્રયાન-2નું લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’ ચંદ્રની સપાટી પર ઉતરીને પ્રયોગ કરશે, પરંતુ ઓર્બિટર વર્ષ દરમિયાન ચંદ્રની ફરતે ચક્કર લગાવતા રિસર્ચ કરશે. ઈસરો વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ચંદ્રની કક્ષામાં તમામ ફેરફારો કર્યા બાદ ઓર્બિટરમાં એટલું ઈંધણ બચી જશે કે તે બે વર્ષ સુધી કામ કરી શકશે. પરંતુ આ બધું 7 સપ્ટેમ્બર પછી નક્કી થશે.