નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનાં મંત્રાલયોમાં હલચલ છે, કેમ કે મોદી કેબિનેટ મોટા ફેરબદલના સંકેત આપી રહી છે. સરકાર અને પાર્ટીનાં સૂત્રોનું કહેવું છે કે એ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પુનર્ગઠન હશે. એ ટીમ આ વર્ષે 10 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીમાં પક્ષનો મોરચો સંભાળશે.
કેન્દ્રીય પ્રધાનો ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને અનુરાગ ઠાકુરને નવી અને મહત્ત્વની જવાબદારી મળે એવી શક્યતા છે. આ માટે રાજ્યની ચૂંટણીના વ્યૂહરચનાકાર પ્રદેશપ્રમુખ સીઆર પાટિલને દિલ્હીમાં મહત્ત્વની ભૂમિકા માટે લાવવામાં આવે એવી શક્યતા છે. કેન્દ્રીય ઊર્જાપ્રધાન આર. કે. સિંહ માટે નવી જગ્યા શોધવામાં આવી રહી છે. કોણ હટશે અને કોણ સામેલ થશે- એ મુદ્દે પાર્ટીમાં ચણભણ છે.
મોદી સરકાર આગેવાનીમાં પક્ષ 20 જાન્યુઆરીથી સામાન્ય ચૂંટણીની તૈયારીની ભાગરૂપે 436 લોકસભાની બેઠકો પર કેન્દ્રીય પ્રધાનોની તહેનાત કરશે, જ્યાં તેઓ છેલ્લી ચૂંટણી લડ્યા હતા. મંત્રી એ બેઠકો પર ત્રણ દિવસ રોકાશે અને કેન્દ્રીય યોજનાઓની સમીક્ષા કરશે. સૂત્રોનું કહેવું છે કે દરેક મંત્રીને 7-8 સીટોની જવાબદારી હશે. તેમને કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓની અસરની માહિતી ભેગી કરીને રિપોર્ટ બનાવવાનો રહેશે. એ પછી લોકસભા સીટ માટે એક ટ્વિટર હેન્ડલ બનાવીને કમસે કમ 50,000 ફોલોઅર જોડવામાં આવશે. સોશિયલ મિડિયા દ્વારા યુવાઓ, ધાર્મિક ગુરુઓ અને સમાજો સાથે સંવાદ સ્થાપિત કરવામાં આવશે.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 16-17 જાન્યુઆરીએ છે. 23 જાન્યુઆરીએ નડ્ડાનો કાર્યકાળ પૂરો કરી રહ્યા છે. બજેટ સત્ર 31 જાન્યુઆરીથી છે. આવામાં નવી ટીમની રચના 18થી 25 જાન્યુઆરીની વચ્ચે થાય એવી શક્યતા છે.