નવી દિલ્હીઃ કંપનીના ચૅરમૅન, મૅનેજિંગ ડિરેક્ટર, ડિરેક્ટર, વગેરે જેવા ઉચ્ચાધિકારીઓને કંપનીના ગુનાઓ સબબ દોષિત ઠેરવી શકાય નહીં. ગુનામાં એમની વ્યક્તિગત ભૂમિકા બાબતે નિશ્ચિત આરોપો અને એના સમર્થનમાં નિશ્ચિત નોંધ ન હોય તો એમની સામે ફોજદારી કાયદા હેઠળ કાર્યવાહી કરી શકાય નહીં, એવો ચુકાદો સર્વોચ્ચ અદાલતે સોમવારે આપ્યો છે.
ન્યાયમૂર્તિઓ એમ.આર.શાહ અને એ.એસ. બોપન્નાની બેન્ચે રવીન્દ્રનાથ બાજપે વિરુદ્ધ મેંગલોર સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના કેસમાં કહ્યું હતું કે કંપનીના ડિરેક્ટર્સ જેવા આરોપીઓ સામે પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે એ વાતે મૅજિસ્ટ્રેટને પોતાને સંતોષ થવો જોઈએ. ઉચ્ચાધિકારીઓએ પોતાના હોદ્દાની રુએ કોઈ ગુનામાં ભૂમિકા ભજવી હોય તો જ એમની સામે ફોજદારી કાર્યવાહી કરી શકાય છે.
ગુનામાં નિશ્ચિત ભૂમિકા વગર જ, માત્ર તેઓ ચૅરમૅન, મૅનેજિંગ ડિરેક્ટર/એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને/અથવા ડેપ્યુટી જનરલ મૅનેજર અને/અથવા પ્લાનર/સુપરવાઇઝર છે એ કારણસર એમને આરોપી ગણી શકાય નહીં, એમ અદાલતે કહ્યું હતું.
અહીં યાદ દેવડાવવું ઘટે કે નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ની પૅમેન્ટ કટોકટીના કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ એક્સચેન્જના સ્થાપક એફટીઆઇએલના તત્કાલીન ચૅરમૅન જિજ્ઞેશ શાહની ધરપકડ કરી હતી. મુંબઈ વડી અદાલતે એ કેસમાં જિજ્ઞેશ શાહને જામીન આપ્યા હતા. વડી અદાલતના આદેશની વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવી હતી, પરંતુ સર્વોપરી અદાલતે પણ જામીન માન્ય રાખ્યા હતા, કારણ કે એ કેસમાં એમની કોઈ સંડોવણી ન હતી. એનએસઈએલના કેસમાં એક્સચેન્જના તત્કાલીન મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અંજની સિન્હાની ભૂમિકા મુખ્ય હતી.