કોરોનાને પગલે સરકાર સતર્ક: 12 પ્રકારની દવાઓની નિકાસ પર પ્રતિબંધની તૈયારી

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાવનાર કોરોના વાઈરસના પ્રકોપને લઈને ભારત એકદમ સતર્ક થઈ ગયું છે. દેશમાં દવાઓની અછત ન સર્જાય એને ધ્યાનમાં રાખીને સરકાર એન્ટીબાયોટિક્સ, વિટામિન્સ અને હોર્મોન સહિત લગભગ 12 દવાઓના નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે. સરકાર આ પગલા દ્વારા દેશમાં જરૂરી દવાઓની ઉપલબ્ધતા જાળવી રાખવામાં માગે છે. કોરોનાથી ચીનનો હુબેઈ પ્રાંત સૌથી વધુ પ્રભાવિત છે. આ પ્રાંતમાંથી ભારતીય દવા ઉદ્યોગ મોટા પ્રમાણમાં કાચો માલ કે એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઈનગ્રેડિયન્ટ (API)ની આયાત કરે છે. જો કે, અત્યારે દેશમાં દવાઓની કોઈ અછત નથી પણ હુબેઈ પ્રાંતને જો ફેબ્રુઆરી પછી પણ બંધ રાખવામાં આવ્યો તો મુશ્કેલી પડી શકે છે.

દેશમાં દવાઓની ઉપલબ્ધતાનું આંકલન કરવા માટે રચવામાં આવેલી આઠ સભ્યોની એક એક્સપર્ટ કમિટીએ ક્લોરમફેનિકૉલ, નિયોમાઈસિન, મેટ્રોનિડાઝોલ, એઝિથ્રોમાઈસિન, ક્લિન્ડામાઈસિન, વિટામિન B1,B2 અને  B6 સહિત 12 દવાઓ સાથે પ્રોજેસ્ટ્રોન હોર્મોનના નિકાસ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. પ્રોજેસ્ટ્રોનનો ઉપયોગ ગર્ભાવસ્થા તેમજ માસિક ધર્મ સાથે જોડાયેલી સમસ્યાઓની સારવાર માટે કરવામાં આવે છે.

આ ઉપરાંત સમિતિએ કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે, તે રાજ્ય સરકારોને જરૂરી વસ્તુ અધિનિયમની જોગવાઈને લાગુ કરવા અને જમાખોરી તેમજ કોઈપણ પ્રકારની કૃત્રિમ અછત ઉભી કરનારાઓ પર નજર રાખવા કહ્યું. પેનલે તેમના રિપોર્ટમાં કહ્યું છે કે, વેપારીઓ તકનો લાભ ન ઉઠાવે અને એપીઆઈ કે મેડિસિન ફોર્મ્યૂલેશન્સની કિંમતોમાં વધારો ન કરે એ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારો પગલા લે.

એક્સપર્ટ કમિટીમાં સામેલ એક અધિકારીએ કહ્યું કે, અમે અંતિમ રિપોર્ટ તૈયાર કરી લીધો છે અને મંગળવારે આ રિપોર્ટ સરકારને સૌંપવામાં આવશે. મહત્વનું છે કે, ભારતમાં દવાઓનો 80થી85 ટકા કાચો માલ ચીનમાંથી આયાત કરવામાં આવે છે.